રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૬.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૯૨૫.૦૪ સામે ૫૩૧૨૬.૭૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૬૭૩.૫૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૫૩.૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૮૯.૪૫ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૭૩૫.૫૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૮૮.૦૦ સામે ૧૫૯૨૧.૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૮૨૫.૪૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૪.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૬.૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૮૬૧.૬૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોરોના મહામારીની પ્રતિકૂળતાઓ વચ્ચે આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઐતિહાસિક તેજી સાથે થઈ હતી. કામકાજના પ્રારંભિક તબક્કાથી જ સાનુકૂળ પરિબળો પાછળ નીકળેલી નવી લેવાલીએ સેન્સેક્સ તેમજ નિફ્ટી ફ્યુચરે નવી ઓલટાઈમ હાઈ સપાટીની રચના કરી હતી. વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતના આર્થિક વિકાસના લક્ષ્યાંકમાં ઘટાડો કરાયો છતાં અનલોકની પ્રક્રિયા તેમજ વેક્સિનેશન મુદ્દે સરકાર દ્વારા વર્ષાન્ત સુધીમાં તમામને રસીના આશાવાદ વચ્ચે ભારતીય શેરબજારે ઐતિહાસિક ટોચ બનાવી વિક્રમ સર્જયો હતો. ચોમાસાની દેશમાં સારી પ્રગતિ થઈ રહી હોવા સાથે કોરોના સંક્રમણની બીજી લહેર બાદ દેશમાં આર્થિક, ઔદ્યોગિક પ્રવૃતિ વધવા લાગ્યા છતાં લાંબા સમયથી બજારમાં બનેલી ઓવરબોટ પોઝિશન અને સેન્સેક્સ-નિફટી ફ્યુચરની વિક્રમી નવી ઊંચાઈએ પહોંચ્યાની સાથે ફંડો, પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ટાર્ગેટ લેવલે નફારૂપી વેચવાલી થતાં વિક્રમી તેજીને વિરામ આપ્યો હતો.
બેંક ઓફ અમેરિકા સહિતની ક્રુડ ઓઈલના ભાવ ૧૦૦ ડોલર પહોંચવાની આગાહી અને આગામી દિવસોમાં મોંઘવારી વધવાના અંદાજો સાથે ઘર આંગણે પેટ્રોલ, ડિઝલના સતત વધતાં ભાવ રૂ.૧૦૦ની સપાટીને પાર કરી ગયાની ચિંતાએ પણ સાવચેતીમાં ફંડોએ શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું. આગામી દિવસોમાં આર્થિક મોરચે હજુ અનિશ્ચિતતા કાયમ હોઈ આર્થિક વિકાસ પણ મંદ પડી રહ્યાની સ્થિતિએ મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા અને આર્થિક વિકાસમાં મોટી પીછેહઠ જોવાશે એવા સંકેત વચ્ચે ફંડોએ ઉછાળે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, ફાઈનાન્સ, આઇટી, ટેલિકોમ, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ, પાવર અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૭૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૫૮ અને વધનારની સંખ્યા ૧૮૫૮ રહી હતી, ૧૫૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૯૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૩૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોનાકાળ દરમિયાન દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે અને તેના પરિણામે રિઝર્વ બેન્કના નિર્ધારિત લક્ષ્યાંક કરતા ફુગાવાનો દર ઉંચો રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બ્ર્રોકરેજ ફર્મ યુબીએસ સિક્યોરિટીઝે ચેતવણી આપી છે કે, ભારતમાં મોંઘવારી દર ચાલુ નાણાંકીય દરમિયાન સરેરાશ ૫% રહી શકે છે, અલબત્ત તેનાથી પણ ઉંચે રહેવાનું જોખમ પણ છે. નોંધનીય છે કે, ગત મે મહિનામાં ગ્રાહક ભાવાંકની રીતે રિટેલ મોંઘવારી દર ૬.૩% અને જથ્થાબંધ મોંઘવારી દર ૧૨.૯૪%ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. યુબીએસ સિક્યોરિટીઝની ભારત સ્થિત મુખ્ય અર્થશાસ્ત્રીએ જણાવ્યુ હતું કે, સીપીઓ ઇન્ફ્લેશન રિઝર્વ બેન્કની નિર્ધારિત મર્યાદા ૪%ની ઉપર છે અને નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં સરેરાશ ૫% રહેશે. તેમણે અપેક્ષા વ્યક્ત કરી છે કે, ચોમાસા દરમિયાન ફળ અને શાકભાજીઓમાં મૌસમી ભાવવધારાથી ટુંકા સમયગાળામાં સીપીઆઇ પ્રભાવિત થશે.
રિપોર્ટમાં જણાવ્યુ છે કે, ભારત જંગી જથ્થામાં આયાત કરવામાં આવતા ખાદ્યતેલોને બાદ કરતા અન્ય ખાદ્યતેલોના ઉત્પાદનના માટે ઘણી હદ સુધી આત્મનિર્ભર છે. ખાદ્યતેલો, પેટ્રોલ-ડીઝલ અને પ્રોટિન આધારિત ખાદ્યચીજોની કિંમતોમાં વધવાને પગલે રિટેલ મોંઘવારી દર છ મહિનાના ઉંચા સ્તર ૬.૩%ના લેવલે પહોંચી ગઇ, જે રિઝર્વ બેન્ક દ્વારા નિર્ધારિત ૪-૬%ની મર્યાદા કરતા વધારે છે. તે ઉપરાંત ક્ડ ઓઇલની કિંમતોમાં વૃદ્ધિથી પણ મોંઘવારીના મોરચે દબાણ સર્જાયુ છે.