રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૬.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૫૪૯.૬૬ સામે ૫૨૬૫૧.૦૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૪૪૮.૬૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૨૭.૨૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૬.૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૪૮૨.૭૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૮૫.૬૦ સામે ૧૫૮૧૬.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૭૩૭.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૯.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૮.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૭૪૭.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોરોના મહામારી સામે એક તરફ વેક્સિનેશન પ્રોગ્રામને વેગ આપવા થઈ રહેલા પ્રયાસો સામે કોરોનાના ડેલ્ટ પ્લસ સહિતના નવા વેરિએન્ટના કારણે હવે ત્રીજી લહેરની ચિંતા અને આર્થિક મોરચે ભારતે આગામી દિવસોમાં મોટા પડકારોનો સામનો કરવો પડે એવી શકયતાએ ફંડોએ આજે શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. કેન્દ્ર સરકારના લોન ગેરંટી પેકેજની સાથે મેગા સ્ટીમ્યુલસ પેકેજના પરિણામે આગામી દિવસોમાં લોન ડિફોલ્ટરોની સંખ્યા વધુ વધવાની શકયતાને ધ્યાનમાં લઈ ફંડોએ આજે સતત બીજા દિવસે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ ચાલુ રાખ્યું હતું.
નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા કોરોના મહામારીના પરિણામે અસરગ્રસ્ત ક્ષેત્રો માટે રૂ.૧.૧૫ લાખ કરોડનું લોન ગેરંટી સ્કિમ-પેકેજ જાહેર કર્યા સાથે હેલ્થકેર સહિત માટે પેકેજ જાહેર કર્યાની ભારતીય શેરબજારોમાં પોઝિટીવ અસર થવાના બદલે ફંડો, મહારથીઓએ સતત ત્રીજા દિવસે ઉછાળે નફો બુક કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૩% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રીયલ, આઇટી, ઓટો, કેપિટલ ગુડ્સ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૫૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૨૩ અને વધનારની સંખ્યા ૧૭૧૧ રહી હતી, ૧૨૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૮૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૯૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોનાની મહામારીથી અસર પામેલા નાના તથા મધ્યમ વેપારગૃહો તથા ટૂરિઝમ ક્ષેત્રને રાહત પૂરી પાડવા નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જાહેર કરેલી ૩૫ અબજ ડોલરની વધારાની ગેરન્ટી સ્કીમ દેશના આર્થિક વિકાસ દરને ગતિ આપવા માટે પૂરતી નહીં હોવાનો વિશ્લેષકો માની રહ્યા છે. આ નવા પેકેજથી કામચલાઉ રાહત મળી શકશે અને આર્થિક વિકાસ દરને ગતિમાન કરવા માટે તે પૂરતા નથી એવો મત પ્રવર્તી રહ્યો છે. જાહેરાત પ્રમાણે હેલ્થ, ટૂરિઝમ તથા નાના વેપારગૃહોને રૂપિયા ૧.૧૦ ટ્રિલિયનની લોન ગેરન્ટી પૂરી પડાશે.
અગાઉની લોન્સ ગેરન્ટી સ્કીમ જે રૂપિયા ૩ ટ્રિલિયનની હતી તે વધારી સરકારે તેને રૂપિયા ૪.૫૦ ટ્રિલિયન કરી છે. વિક્સિત દેશો જ્યાં વ્યક્તિઓ માટે રાહત પેકેજો પૂરા પાડવામાં આવી રહ્યા છે ત્યારે ભારતમાં સરકાર માળખાકીય ક્ષેત્રમાં વધુ નાણાં ઠાલવી રહી છે અને બેન્ક લોન્સ પર ગેરન્ટી પૂરી પાડી રહી છે. અત્યારસુધીના દરેક સ્ટીમ્યુલ્સ આવશ્યકતા કરતા નીચા છે. નવા પગલાંથી સરકાર પર રૂપિયા ૦.૬૦ ટ્રિલિયનનો બોજ આવશે. આ નવા પેકેજની સફળતા આગામી દિવસોમાં ધિરાણ ઉપાડ કેવો રહે છે તેના પર રહેશે.