ભારતીય શેરબજારમાં રિયલ્ટી – મેટલ સેક્ટરની આગેવાની હેઠળ ઐતિહાસિક તેજી તરફી રૂખ યથાવત્…!!

236

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૧૦.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૯૬૭.૦૫ સામે ૬૦૯૯૭.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૭૯૧.૨૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૦૬.૪૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૮૩.૨૧ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૩૫૦.૨૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૪૫.૪૫ સામે ૧૮૧૮૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૧૦૮.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૧.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૪.૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૩૫૦.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. ચાઈનામાં એનર્જી કટોકટીના પરિણામે અનેક ઉદ્યોગો બંધ થતાં એડવાન્ટેજ ઈન્ડિયાની ગણતરી મૂકાઈ રહી હતી, ત્યારે ભારતમાં પણ કોલસા સહિતની અછતના સમાચાર વચ્ચે ગત સપ્તાહે ફંડોએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ નવી મોટી તેજીમાં સાવચેતી બતાવી ઉછાળે નફારૂપી વેચવાલી કરી હતી, ઉપરાંત વિશ્વ એનર્જી કટોકટીમાં ધકેલાતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધીને સાત વર્ષની નવી ઊંચી સપાટી પાર કરતાં ભારતીય શેરબજારમાં ઘટાડો જોવાયો હતો જો કે ચાલુ સપ્તાહના પ્રારંભથી જ વૈશ્વિક બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં પણ તેજી જોવા મળી હતી. કોરોના સંક્રમણ પણ દૂર થઈ રહ્યું હોઈ આર્થિક – ઔદ્યોગિક વિકાસ વેગ પકડી રહ્યો હોઈ કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી પ્રોત્સાહક રહેવાના અંદાજોએ ફંડોએ આજે અફડાતફડી બાદ તેજી તરફી ડોટ આગળ વધારી હતી.

ભારતીય શેરબજારમાં લાંબા સમયથી વિક્રમી તેજી જોવાયા બાદ અપેક્ષિત અને અનિવાર્ય બની ગયેલું કરેકશન -ઘટાડાનો દોર બાદ ચાલુ સપ્તાહે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા ભારતીય અર્થતંત્રમાં ઝડપી રિકવરીનો અંદાજ મૂકીને બીજા ત્રિમાસિકમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી સારી નીવડવાની અપેક્ષાએ નીચા મથાળે નવી ખરીદી કરતાં સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. કોર્પોરેટ પરિણામોની સપ્ટેમ્બર ૨૦૨૧ની સીઝનમાં એકંદર સારા પરિણામ અને ચોમાસાની સારી પ્રગતિ સાથે દેશ કોરોના કાળમાંથી બહાર આવીને ઝડપી આર્થિક – ઔદ્યોગિક વિકાસના પંથે સવાર થઈ રહ્યો હોવાના પોઝિટીવ પરિબળે ખેલંદાઓ, ટ્રેડરો, ફંડો અને મહારથીઓ દ્વારા નવી લેવાલી નોંધાતા આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૭૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૨૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, મેટલ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, બેઝિક મટિરિયલ્સ અને સીડીજીએસ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ પણ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૧૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૫૬ અને વધનારની સંખ્યા ૨૨૧૮ રહી હતી, ૧૪૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૩૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ અને કોલસાની કિંમતોમાં વધારો શેરબજારો અને ભારતીય અર્થતંત્ર માટે ચિંતા જનક છે. નોમુરાના અંદાજ મુજબ, જો ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, કોલસો અને વીજળીના વૈશ્વિક ભાવ ડિસેમ્બર ૨૦૨૧ સુધી વર્તમાન સ્તરે રહે અને માર્ચ ૨૦૨૨ સુધી સાધારણ ૫% વધે, તો રિટલ ફુગાવામાં ૧% જેટલી વૃદ્ધિની સંભવિત અસર થશે. ક્રૂડ ઓઇલના ભાવમાં ૧૦%ની વૃદ્ધિથી ભારતમાં ફુગાવાનો દર આશરે ૦.૩% વધી શકે છે, ચાલુ ખાતાની ખાધ દેશની જીડીપીના ૦.૩% જેટલો વધી શકે છે અને જીડીપીનો વૃદ્ધિદર અંદાજીત ૦.૨% જેટલો ઘટી શકે છે.

સેમીકન્ડક્ટર અને કોલસાની અછતને કારણે સપ્ટેમ્બર / ઓક્ટોબર માસમાં ઔદ્યોગિક ઉત્પાદન સંકોચાશે. ઉપરાંત જીડીપી ગ્રોથ ચોથા ત્રિમાસિકમાં ૫.૩%ની તુલનામાં લગભગ ૦.૦૧ નીચે જઇ શકે છે. આમ તો વર્ષ ૨૦૨૧-૨૨ માટે અનુક્રમે ૭.૭% અને ૯.૫%ના વૃદ્ધિ અંદાજોછે, પરંતુ ત્યાર પછીના વર્ષે નકારાત્મક જોખમો જોઈ મળી શકે છે. યુએસ અને યુરોપમાં ભંયકર શિયાળાનું જોખમ, ઇન્વેન્ટરીમાં સતત ઘટાડો અને ઓપેક સંગઠન તરફથી મર્યાદિત પુરવઠો બ્રેન્ટ ક્ડની કિંમતને ૧૦૦ ડોલર પ્રતિ બેરલ સુધી ધકેલી શકે છે. પોઝિટિવ પરિબળો સામે પડકારો માથું ઊંચકી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

Share Now