રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૧૧.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૦૦૮.૩૩ સામે ૫૯૯૬૮.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૩૭૬.૫૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૦૧.૦૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭૨.૩૨ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૬૩૬.૦૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૯૦૯.૧૫ સામે ૧૭૮૯૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૬૯૨.૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૧.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૯.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૭૭૦.૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ચોથા અને અંતિમ ટ્રેડીંગ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગ શરૂઆત સાવચેતીએ નરમાઈ સાથે થઈ હતી. વૈશ્વિક બજારોમાં ઉછાળે સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં પણ આરંભમાં બે તરફી અફડાતફડી બાદ ઉછાળે ફંડો, ઓપરેટરો, ખેલંદાઓએ ઓફલોડિંગ કરતાં ભારતીય શેરબજાર નેગેટીવ ઝોનમાં બંધ આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મોરચે ફુગાવો – મોંઘવારી વધી રહ્યાના અને એ સાથે કોરોના સંક્રમણમાં પણ થઈ રહેલા વધારાને લઈ યુરોપ, અમેરિકામાં ચિંતા અને ચાઈનાએ અમેરિકાને પાછળ મૂકી દીધાના અહેવાલ છતાં ચાઈનામાં વધતાં આર્થિક પડકારોને લઈ વૈશ્વિક બજારોમાં આજે સાવચેતી વચ્ચે સાંકડી વધઘટ જોવાઈ હતી.
ભારતીય શેરબજારમાં ફંડો, ઓપરેટરો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ દરેક ઉછાળે સ્મોલ, મિડ કેપ, કેશ સેગ્મેન્ટના શેરો સાથે ફ્રન્ટલાઈન ઈન્ડેક્સ શેરોમાં પણ ઓફલોડિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. મેટલ અને ઓટો શેરોમાં ફંડોની મોટી વેચવાલી સાથે કેપિટલ ગુડ્સ, બેઝિક મટિરિયલ્સ, ઈન્ડસ્ટ્રીયલ અને રિયલ્ટી કંપનીઓના શેરોમાં ફંડોએ સતત વેચવાલી કરી હતી. ભારતમાં પણ ફુગાવાના સરકારી આંકડા મોંઘવારી તળીયે હોવાનું ચિત્ર દર્શાવી રહ્યા છે, પરંતુ પેટ્રોલ, ડિઝલના સતત ઊંચા પ્રવર્તતા ભાવો અને જીવન જરૂરી ચીજોના કૂદકે ને ભૂસકે વધતાં ભાવોથી મોંઘવારી અસહ્ય બની રહી હોઈ અર્થતંત્ર ડામાડોળ બનવા સંકેતો સાથે આગામી દિવસોમાં કામગીરી કથળવાનો સંકેત આપવા લાગ્યું હોઈ ફંડોએ સાવચેતીમાં શેરોમાં ઓલ રાઉન્ડ ઓફલોડિંગ કરતાં સેન્સેક્સ, નિફટી બેઝડ કડાકો બોલાઈ ગયો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, ઓટો, કેપિટલ ગુડ્સ, બેઝિક મટિરિયલ્સ, ઈન્ડસ્ટ્રીયલ, રિયલ્ટી, સીડીજીએસ, યુટિલિટીઝ, આઇટી, હેલ્થકેર અને ટેક શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૬૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૩૯ અને વધનારની સંખ્યા ૧૦૦૧ રહી હતી, ૧૨૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૦૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક મોરચે મોંઘવારી – ફુગાવાની પરિસ્થિતિ ચિંતાજનક બની રહી હોવા સાથે કોરોનાએ ફરી માથું ઉંચકતાં યુરોપના દેશો સાથે ચાઈના સહિતના અન્ય દેશોમાં પણ પરિસ્થિતિ ચિંતા ઉપજાવનારી બનતાં અને અમેરિકાએ સ્ટીમ્યુલસમાં હવે પીછેહઠ કરવાના આપેલા સંકેત વચ્ચે વૈશ્વિક બજારોમાં ફરી અનિશ્ચિતતા સાથે સાવચેતી જોવાઈ રહી છે. કોર્પોરેટ ઈન્ડિયા પણ વર્તમાન ફુગાવાની સ્થિતિથી ચિંતિત હોઈ પૂર પહેલા પાળ બાંધવા લાગીને આગામી દિવસોમાં જો મોંઘવારીમાં ઘટાડો નહીં થાય તો કોર્પોરેટ પરિણામો પર અસર જોવાશે એવો સ્પષ્ટ સંકેત આપવા લાગ્યા છે.
જે પરિસ્થિતિ સાથે ભારતીય શેર બજારોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ડેપ્યુટી ગવર્નર સહિત શેરોમાં ઓવર વેલ્યુએશન હોવાનું અને અર્થતંત્રના વાસ્તવિક ચિત્રથી વધુ પડતી તેજી એટલે કે તેજીનો અતિરેક થઈ રહ્યાનું સ્પષ્ટ જણાવી રોકાણકારોને ચેતતા રહેવાનો સંકેત આપવા લાગ્યા છે. વૈશ્વિક નિષ્ણાંતો, અર્થતંત્રશાસ્ત્રીઓ, સમીક્ષકોનો અત્યારે બહુમત ફુગાવા સહિતના મામલે ચેતવણીનો હોવાને ધ્યાનમાં લઈએ તો ઓવર વેલ્યુએશને રહેલા બજારમાં તબક્કાવાર નફો બુક કરતાં રહેવું અત્યંત સલાહભર્યું રહશે.