રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૧૨.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૭૮૬.૬૭ સામે ૫૯૧૦૩.૭૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૨૪૨.૮૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૯૬૦.૫૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૦૩.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૨૮૩.૪૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૫૫૯.૩૫ સામે ૧૭૬૩૭.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૪૦૪.૨૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૮૩.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૪૬૨.૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૪૬૨.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારે વોલેટાઈલ રહ્યા બાદ ભારતીય શેરબજારોના બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સાધારણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. ગત સપ્તાહના સુધારા બાદ આજે વૈશ્વિક બજારો પાછળ આજે બ્રેક લાગી હતી. જો કે સ્મોલ-કેપ શેરોમાં રોકાણકારોનું આકર્ષણ જળવાઈ રહ્યું હતું. વૈશ્વિક સ્તરે એશિયાના બજારો પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા અને યુરોપના બજારો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. ઓમિક્રોનને લઈને કેટલાક દેશોમાં સ્થિતિ વણસી રહ્યાના અહેવાલો આવી રહ્યા હોય રોકાણકારોમાં સાવચેતી જોવા મળી રહી છે. વિવિધ પ્રતિકળ અહેવાલો પાછળ ચોમેરના વેચવાલીના દબાણ પાછળ આજે શેરબજારમાં પીછેહઠ નોંધાઈ હતી. ચાલુ માસમાં એફઆઈઆઈ દ્વારા હાથ ધરાયેલ એકદારી વેચવાલીની બજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી.
ચાલુ ઓક્ટોબર માસ દરમિયાન એફઆઈઆઈ દ્વારા બજારમાં સતત વેચવાલી હાથ ધરાઈ છે. આ નેગેટીવ ભૂમિકા પાછળ ગત માસે નોમુરા અને યુવીએસ અને મોર્ગન સ્ટેન્લી દ્વારા ભારતીય ઇક્વિટીને ઊંચા વેલ્યુએશનના કારણે ડાઉનગ્રેડ કર્યાના અહેવાલો હતા. આ અહેવાલોની વિદેશી રોકાણકારોના માનસ પર પ્રતિકૂળ અસર થતા તેઓએ ચાલુ માસમાં ભારતીય શેરબજારમાંથી અંદાજીત રૂ.૧૬૨૩૫ કરોડ પાછા ખેંચી લીધા છે. વૈશ્વિક બાદ સ્થાનિક મોરચે પણ કોરોના – ઓમિક્રોનની ચિંતા અને બીજી તરફ અમેરિકા દ્વારા બોન્ડ ટેપરીંગ વહેલું કરવાના એટલે કે બોન્ડ બાઈંગ પ્રોગ્રામ અટકાવવાના સંકેતો અપાતાં અને ઔદ્યોગિક – આર્થિક વૃદ્વિ મંદ પડવાની ચિંતાએ જોવાઈ રહી છે. આરબીઆઈ બાદ હવે અમેરિકન ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટિની આવતા ચાલુ મળી રહેલી બેઠક પર ભારતીય શેરબજારની નજર રહેશે. આ બેઠકમાં કમિટિ ટેપરિંગ કાર્યક્રમ જાહેર કરવાની ધારણાં રાખવામાં આવી રહી છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૩% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૫૪ અને વધનારની સંખ્યા ૧૯૧૨ રહી હતી, ૧૭૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૭૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વિક્રમી ઉંચાઈને સ્પર્શ્યા બાદ છેલ્લા દોઢ – બે માસથી ભારતીય શેરબજારમાં અસ્થિરતાનો માહોલ ઉદભવ્યો છે. જોકે જ્યાં સુધી વિદેશી રોકાણકારોની વેચવાલી બંધ નહીં થાય ત્યાં સુધી બજારમાં મોટી તેજી જોવા મળે તેવી શક્યતા ઓછી છે. ઉપલબ્ધ ડેટા મુજબ ગત નવેમ્બર માસમાં વિદેશી રોકાણકારોએ ઈક્વિટીમાં અંદાજીત રૂ.૩૯૯૦૧.૯૨ કરોડની વેચવાલી હાથ ધરી હતી. તે અગાઉ ઓક્ટોબર મહિનામાં તેમણે અંદાજીત રૂ.૮૨,૦૦૦ કરોડનું વેચાણ કર્યું છે. ચાલુ માસમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ અત્યાર સુધી અંદાજીત રૂ.૧૬૨૩૫ કરોડનું વેચાણ કર્યું હતું જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ અંદાજીત રૂ.૧૩,૭૦૦.૮૦ કરોડની ખરીદી કરી છે. આ મહિનાના અંત સુધીમાં, વિદેશી સંસ્થાકીય રોકાણકારો ૨૦૨૨ માટે તેમની ફાળવણી શરૂ કરશે ત્યાં સુધી ભારતીય શેરબજાર બાઉન્ડ રહેવાની ધારણા છે.
જો કોરોનાના મોરચે કોઈ મોટો ખતરો નહીં રહે તો દેશની આર્થિક ગતિવિધિઓમાં વધુ સુધારો જોવા મળશે. આરબીઆઈએ તેની તાજેતરની નીતિમાં ફુગાવા અને વૃદ્ધિના અનુમાનમાં લગભગ કોઈ ફેરફાર કર્યો નથી અને સિસ્ટમમાં પૂરતી તરલતા જાળવવાની ખાતરી આપી છે. આ સાથે સરકારની નાણાંકીય સ્થિતિ મોટાભાગે સારી સ્થિતિમાં છે. પ્રત્યક્ષ અને પરોક્ષ કર વસૂલાત અપેક્ષા કરતા વધુ સારી રહી છે. આ બધા અર્થતંત્ર માટે સારા સંકેતો છે. પરંતુ વૈશ્વિક સ્તરની ઘટનાઓ પાછળ ડોલર મજબૂત થતો જાય છે. આ ઉપરાંત વૈશ્વિક રોકાણકારોમાં પણ ગભરાટ ફેલાયેલો છે. જેના કારણે તેમની વેચવાલીમાં વધારો થતો જાય છે. આમ જ્યાં સુધી વિદેશી રોકાણકારોની વેચવાલી બંધ નહીં થાય ત્યાં સુધી ભારતીય શેરબજારમાં સાવચેતી જોવા મળી શકે છે.