અમારી પાસે હથિયારો, લોકોની ઈચ્છાશક્તિ બંને છે : યુક્રેનના કમાન્ડરની રશિયાને ચેતવણી

190

કીવ, તા. ૬ : એક લાખથી વધુ યુક્રેનવાસીઓ ડિફેન્સ ફોર્સમાં જોડાયા.યુક્રેનના નેશનલ ગાર્ડે કહ્યું હતું કે,એક લાખ યુક્રેનવાસીઓ રશિયા સામે લડવા માટે આર્મ્ડ ફોર્સની વિશેષરૃપે રચાયેલી વોલન્ટિયર શાખા ડિફેન્સ ફોર્સમાં જોડાયા છે.

– યુક્રેન સામે રશિયાના આક્રમણ બદલ પુતિને દુનિયાની સાથે દેશવાસીઓના વિરોધનો સામનો કરવો પડયો છે.રશિયાના ૩૧ શહેરોમાં યુક્રેન સામે યુદ્ધનો વિરોધ કરી રહેલા ૨,૫૦૦થી વધુ લોકોની અટકાયત કરાઈ. પોલીસના પ્રવક્તાએ કહ્યું કે મોસ્કોમાં ૧૭૦૦ લોકો,પીટર્સબર્ગમાં ૭૫૦ લોકોની અટકાયત કરાઈ હતી.
– યુક્રેનના એક કમાન્ડરે રશિયાને ચેતવણી આપતા કહ્યું કે,અમારી પાસે હથિયારો પણ છે અને લોકોની ઈચ્છાશક્તિ પણ છે.કીવમાં દરેક નાગરિક પોતાના શહેર,દેશનું રક્ષણ કરી રહ્યો છે.અમે શાંતિ ઈચ્છીએ છીએ,પરંતુ અમે યુદ્ધ માટે પણ તૈયાર છીએ.
– વિસા,માસ્ટર કાર્ડે રશિયામાં કામગીરી બંધ કરી.વિસા આગામી દિવસોમાં રશિયાના તમામ ટ્રાન્ઝેક્શન જપ્ત કરશે. કંપનીએ કહ્યું કે,તેનો અર્થ એ છે કે રશિયન વિસા કાર્ડ્સ રશિયાની બહાર કામ નહીં કરી શકે. માસ્ટર કાર્ડ પણ તેને અનુસરી હતી.તેણે રશિયામાં બધી જ કામગીરી અટકાવી છે.
– મૂડીએ રશિયાનું ક્રેડિટ રેટિંગ ઘટાડીને ડિફોલ્ટ કર્યું.રેટિંગ એજન્સી મૂડીના મત મુજબ વર્ષ ૨૦૨૨માં રશિયાનું અર્થતંત્ર ૭ ટકા સંકોચાશે અને ૨૦૨૩માં વધુ ઘટશે.
– લુહાન્સ્કમાં એલપીઆર પાસપોર્ટનું વિતરણ થવા લાગ્યું.યુક્રેનના રશિયા તરફી બળવાખોર પ્રાંત લુહાન્સ્કમાં રશિયાનો કબજો છે.રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તે પહેલાં જ આ પ્રાંતને સ્વતંત્ર દેશ જાહેર કર્યો હતો.હવે લુહાન્સ્કના બળવાખોરોએ લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિકના પાસપોર્ટનું વિતરણ શરૃ કર્યું છે.
– અમેરિકાના ૩,૦૦૦થી વધુ વોલન્ટીયર્સ યુક્રેનની હાકલથી રશિયા સામે લડવા આંતરરાષ્ટ્રીય બટાલિયનમાં જોડાયા.યુક્રેનના આર્મ્ડ ફોર્સીસના જનરલ સ્ટાફે કહ્યું કે,રશિયા સામે લડવા ઈચ્છતા લોકોએ તેમના દેશમાં યુક્રેનના દૂતાવાસનો સંપર્ક કરવો.
– બ્રિટનના વિદેશ સચિવ લિઝ ટ્રુસે બ્રિટિશરોને રશિયા વિરુદ્ધના યુદ્ધમાં હથિયાર ઉઠાવીને યુક્રેન જવા હાકલ કરી હતી.જોકે,બ્રિટનના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે વિદેશ સચિવના સૂચનને નકારી કાઢ્યું હતું અને કહ્યું કે આમ કરવું ગેરકાયદે છે.
– ઓમ્બુડ્સમેનમાં રશિયન હુમલામાં ૩૮ બાળકોનાં મોત, ૭૧ લોકોને ઈજા થઈ.રશિયાએ મારૌપોલ,દોન્તેસ્ક ઓબસ્લાટમાં હુમલા તીવ્ર કર્યા.આ બોમ્બમારામાં દોઢ વર્ષના બાળકનું પણ મોત થયું.
– જર્મનીમાં યુરોવિઝનમાં પસંદ થયેલી જમાલાએ યુક્રેન માટે ૬૭ મિલિયન યુરોનું ભંડોળ એકત્ર કર્યું. ૨૦૧૬ની યુરોવિઝન વિજેતા યુક્રેનિયન ગાયિકા જમાલાએ જર્મનીમાં રાષ્ટ્રીય યુરોવિઝન પસંદગીમાં ગીત ગાઈને ભંડોળ એકત્ર કર્યું.
– યુક્રેનમાં આગામી સપ્તાહથી ઈલોન મસ્કની સ્ટારલિન્કના વધુ સેટેલાઈટ્સ સેવા પૂરી પાડશે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું કે,તેમણે ઈલોન મસ્ક સાથે યુદ્ધગ્રસ્ત દેશમાં વધુ સ્ટારલિંક સિસ્ટમ પૂરી પાડવા વાત કરી હતી.તેમણે યુદ્ધ પછી ભવિષ્યમાં અવકાશ ક્ષેત્રે વધુ પ્રોજેક્ટ્સમાં ભાગીદારી અંગે ચર્ચા કરી હતી.

Share Now