અમિતાભની પહેલી મરાઠી ફિલ્મ ‘એબી આણિ સીડી’નું ટ્રેલર રિલીઝ

367

મુંબઈ,તા.૨૪
અમિતાભ બચ્ચનની મરાઠી ફિલ્મ ‘એબી આણિ સીડી’નું ટીઝર ટ્વિટર પર શૅર કરવામાં આવ્યું છે. આ ટીઝર શૅર કરીને અમિતાભે કહ્યું હતું, જૂના સાથી સાથે મરાઠી ફિલ્મ કરી. તમામને શુભકામના. ફિલ્મનું ટીઝર નેશનલ અવોર્ડ વિનર (મરાઠી ફિલ્મ ‘અનુમતિ’ માટે બેસ્ટ એક્ટર) મરાઠી એક્ટર વિક્રમ ગોખલે પર ફિલ્માવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન તથા વિક્રમ ગોખલે આ પહેલાં બોલિવૂડ ફિલ્મ્સ ‘હમ કૌન હૈં’, ‘પરવાના’, ‘અગ્નિપથ’, ‘ક્રોધ’, ‘ખુદા ગવાહ’ તથા ‘અકેલા’માં સાથે કામ કર્યું છે.
ટીઝર પ્રમાણે, ફિલ્મની વાર્તા ચંદ્રકાંત દેશપાંડે (વિક્રમ ગોખલે) નામના વૃદ્ધની આસપાસ ફરે છે, જે પરિવારમાં તિરસ્કૃત હોય છે. એક દિવસ અચાનક ચંદ્રકાંતને અમિતાભ બચ્ચનનું એક કુરિયર મળે છે, જેમાં એક લેટર હોય છે. લેટરમાં સ્કૂલ સમયનો એક કિસ્સો લખેલો હોય છે. અમિતાભના આ લેટર પ્રમાણે, તેમના ટીચર્સ તેમને તથા ચંદ્રકાંતને એબી આણિ સીડી (અમિતાભ બચ્ચન તથા ચંદ્રકાંત દેશપાંડે) કહીને બોલાવતા હતાં. પહેલી નજરમાં લાગે છે કે આ ફિલ્મની વાર્તા બે મિત્રોની છે, જેમાં એક સુપરસ્ટાર બની જાય છે અને બીજો મિત્ર મધ્યમવર્ગીય જીવન જીવે છે.

Share Now