ટ્રેડ-ડીફેન્સ ડીલઃ મોદી સાથે લંચઃ રાષ્ટ્રપતિ ભવનમાં ડીનર

254

સવારે રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગતઃ ટ્રમ્પે રાજઘાટ જઈ રાષ્ટ્રપિતાને શ્રધ્ધા-સુમન અર્પણ કર્યાઃ હૈદરાબાદ હાઉસમાં મોદી-ટ્રમ્પ વચ્ચે મંત્રણાઃ જોઈન્ટ પત્રકાર પરિષદઃ ટ્રમ્પની ઉદ્યોગ જગત સાથે બેઠકઃ રાત્રે રાષ્ટ્રપતિ ભવનમાં કોવિંદ સાથે મુલાકાત અને ભવ્ય ડીનર પાર્ટી

નવી દિલ્હી, તા. ૨૫ :. ભારતની બે દિવસની મુલાકાતે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનું ગઈકાલે અમદાવાદ અને આગ્રામાં ભવ્ય સ્વાગત કરાયા  બાદ આજે તેમના પ્રવાસનો બીજો અને અંતિમ દિવસ છે. આજે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ અને ડીફેન્સ સહિતના કરારો કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી સાથે ટ્રમ્પની વન ટુ વન મીટીંગ યોજાય છે. એટલુ જ નહિ પ્રતિનિધિ કક્ષાની બેઠક પણ યોજવામાં આવી રહી છે. આજે બપોરે વડાપ્રધાન મોદીએ ટ્રમ્પના માનમાં બપોરનું ભોજન યોજ્યુ છે તો સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિએ ભવ્ય ડીનર પાર્ટીનું આયોજન કર્યુ છે. ટ્રમ્પની આજે ઉદ્યોગ  જગત સાથે મુલાકાત પણ યોજાય છે. ગઈકાલના અતિવ્યસ્ત કાર્યક્રમ બાદ આજે સવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યુ હતું. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતું. આ ભવ્ય સમારોહ એક યાદગાર સમારોહ બની રહ્યો હતો. સ્વાગત સમારોહ બાદ ટ્રમ્પ અને તેમના પત્નિ રાજઘાટ ગયા હતા અને જ્યાં તેમણે રાષ્ટ્રપિતાની સમાધી પર ફુલો અર્પણ કરી નમન કર્યુ હતું. હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ  વચ્ચે વન ટુ વન અને પ્રતિનિધિ સ્તરની બેઠક યોજવામાં આવી છે. જ્યાં બન્ને દેશો વચ્ચે વેપાર અને સંરક્ષણ તથા નિવેશ અંગેના કરારો કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે વ્યાપાર અને નિવેશ, અફઘાનિસ્તાનમાં તાલીબાન સાથે શાંતિ સમજુતી, પાકિસ્તાન, વિશ્વની અનેક બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત ૩ અબજ ડોલરના અતિ આધુનિક સૈન્ય હેલીકોપ્ટર અને અન્ય ઉપકરણો માટેના કરારો થયા હતા. ભારત અને અમેરિકા બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ સુદ્રઢ કરવા સંમત થયા હતા. બન્ને નેતાઓ વચ્ચે સરહદ પારથી આચરાતા ત્રાસવાદ અંગે ચર્ચા કરી હતી. ૫-જી ટેકનોલોજી અંગે પણ ચર્ચા થઈ હતી. અંતરિક્ષમા માનવ મોકલવા માટે પણ અમેરિકા મદદ કરશે. ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધે તે માટે બન્ને દેશોએ ચર્ચા વિચારણા કરી હતી. બાદમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંયુકત પત્રકાર પરિષદને પણ સંબોધન કર્યુ હતું. અમેરિકન દુતાવાસમા ઉદ્યોગ જગત સાથે બેઠકનું પણ આયોજન થયુ હતું. જેમાં અંબાણી, અદાણી સહિતના દિગ્ગજો હાજર રહ્યા હતા. આજે સાંજે ૭.૩૦ કલાકે ટ્રમ્પ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે અને રાષ્ટ્રપતિએ યોજેલા ડીનરમાં સામેલ થશે. ડીનરમાં ભાગ લીધા બાદ રાત્રે ૧૦ કલાકે ટ્રમ્પ અમેરિકા જવા રવાના થશે.

Share Now