મુંબઈને મળશે નવા પોલીસ કમિશનર… ૩ અધિકારી રેસમાં સામેલ

258

મુંબઈ,તા.૨૫
મહાનગરના હાલના પોલીસ કમિશનર સંજય બર્વેની મુદત પૂરી થવાને આરે છે અને શહેરને નવા પોલીસ કમિશનર મળશે. બર્વેની અનુગામી કોણ બનશે એ વિશે ચર્ચા થઈ રહી છે.
પોલીસ કમિશનર તરીકે સંજય બર્વેની મુદત ૨૯ ફેબ્રુઆરીએ પૂરી થાય છે. તેઓ ૨૦૧૯ની ૩૧ ઓગસ્ટે જ સેવાનિવૃત્ત થવાના હતા, પણ એમને તે વખતની મહારાષ્ટ્ર સરકારે ત્રણ મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું.
એ લંબાવેલી મુદત ૩૦ નવેંબરે પૂરી થઈ હતી, પણ ત્યારબાદ પણ સરકારે ફરીથી એમની મુદત ૩ મહિના માટે લંબાવી હતી. હવે બીજું એક્સટેન્શન ૨૯ ફેબ્રુઆરીએ પૂરું થાય છે. તેથી ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે મુંબઈના નવા પોલીસ કમિશનર કોણ બનશે.
મુંબઈના પોલીસ કમિશનરના પદની રેસ માટે ૩ અધિકારી સામેલ છેઃ એક છે, પોલીસ ડાયરેક્ટર જનરલ (ભ્રષ્ટાચાર વિરોધી વિભાગ) પરમબીર સિંહ, બીજા છે, પુણેના પોલીસ કમિશનર કે. વેંકટેશન અને ત્રીજા છે, ૧૯૮૮ના બેચના પોલીસ અધિકારી રજનીશ શેઠ.
મુંબઈના પોલીસ કમિશનર તરીકે સંજય બર્વેની નિમણૂક ગઈ વેળાની મહારાષ્ટ્ર સરકારના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી હતી. એ વખતના પોલીસ કમિશનર દત્તા પડસલગીકરને મહારાષ્ટ્રના પોલીસ વડા તરીકે નિયુક્ત કરાતાં એમની જગ્યાએ મુંબઈના પોલીસ દળનું નેતૃત્ત્વ સંજય બર્વેને સોંપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દત્તા પડસલગીકરને પણ એમની મુદત પૂરી થયા બાદ એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.

Share Now