દિલ્હી હિંસા: ચાંદબાગમાં ઈન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારીનો મૃતદેહ મળ્યો

396

ડ્યૂટી પરથી ઘરે ફરતા અધિકારીની હત્યા કરી મૃતદેહને નાળામાં ફેંક્યો હોવાની આશંકા

એજન્સી, નવી દિલ્હી

દિલ્હીની હિંસામાં એક પોલીસ કોન્સ્ટેબલના મૃત્યુ બાદ વધુ એક સુરક્ષા અધિકારીનું મોત નિપજ્યું હોવાની જાણકારી મળી રહી છે. પ્રાપ્ય જાણકારી પ્રમાણે હિંસાગ્રસ્ત પૂર્વી દિલ્હીના ચાંદબાગ વિસ્તારમાં ઈન્ટેલિજન્સ બ્યૂરોના સિક્યોરિટી આસિસ્ટન્ટનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક અધિકારીનું નામ અંકિત શર્મા હતું. તમના પર પથ્થરમારો કરીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તેમના મૃતદેહને નાળામાં ફેંકી દીધો હતો.

અંકિત શર્મા ચંદબાગમાં રહેતા હતા. તેઓ પોતાની નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. જ્યારે આ તોફાન થઈ રહ્યું હતું ત્યારે ચાંદ બાગ પુલિયા પર કેટલાક લોકો તેમને ઘેરી વળ્યા હતા. તેમના પર પથ્થરમારો કરીને અને તેમને ઢોર માર મારીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી.

અંકિતના પિતા રવિંદર શર્મા પણ ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં હેડ કોન્સ્ટેબલ છે. તેમણે આપના એક નેતાના સમર્થકો પર હત્યાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે અંકિતને ઢોર માર માર્યા બાદ તેના પર ગોળી પણ ચલાવવામાં આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જીટીબી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે.

દિલ્હીના ઉત્તર-પૂર્વી વિસ્તારમાં ગયા રવિવારથી સતત થઈ રહેલી હિંસાએ અત્યાર સુધીમાં કુલ 21 લોકોના ભોગ લીધા છે. મૃતકોમાં એક હેડ કોન્સ્ટેબલ અને એક ઈન્ટેલિજન્સ બ્યૂરોના સિક્યોરિટી આસિસ્ટન્ટ એમ બે સુરક્ષાકર્મીઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આ હિંસામાં 250થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાં 56થી વધારે પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.

Share Now