આઝમ ખાનને પત્ની અને પુત્ર સહિત જેલમાં મોકલવામાં આવ્યા

341

એક પણ વખત કોર્ટમાં હાજર નહીં થતા કોર્ટે બીનજામીન વોરન્ટ જાહેર કર્યું

એજન્સી, લખનઉ

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની જામીન અરજી ફગાવી દેવાયા બાદ તેમને જેલમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આઝમ ખાન ઉપરાંત તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ અને તેમની પત્ની તજીન ફાતિમાને પણ જેલમાં મોકલવામાં આવ્યા છે. આ ત્રણેયને 2 માર્ચ સુધી જેલ મોકલવામાં આવ્યા છે.

આઝમ ખાનની પત્ની તજીન ફાતિમા અને પુત્ર અબ્દુલ્લાએ બુધવારના રોજ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું અને જામીન અરજી દાખલ કરી હતી પરંતુ ત્યારબાદ કોર્ટે તેમની જામીન અરજીને ફગાવી દીધી છે. આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાનના જન્મના બે પ્રમાણપત્ર હોવાના મામલામાં ભાજપા નેતા આકાશ સક્સેનાએ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં આઝમ ખાન, ફાતિમા અને અબ્દુલ્લા વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો.

આ મામલામાં પોલીસે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ચાર્જશીટ દાખલ કરી હતી. આઝમ ખાન, તેમના પત્ની ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમને આ મામલામાં ઘણી વખત કોર્ટ સમક્ષ હાજર થવા માટેના આદેશ મળી ચૂક્યા હતા. તેમ છતા પણ તેઓ એક પણ વખત કોર્ટમાં હાજર થયા નહતા જેથી આખરે કોર્ટે તેમના વિરુદ્ધ બીનજામીન વોરન્ટ બહાર પાડ્યું હતું.

Share Now