અમેરિકન લશ્કરે વુહાનમાં કોરોના વાઇરસ ફેલાવ્યો : ચીનનો આરોપ

293

– અમેરિકન અધિકારી રોબર્ટ રેડફિલ્ડે સંસદને કહ્યું હતું કે દેશમાં કોરોનાથી કેટલાંક લોકોના મોત થયા હતા

અમેરિકા અને ચીનના અધિકારીઓએ કોરોના વાયરસના જન્મ બાબતે એક-બીજા ઉપર આરોપ મૂક્યા હતા. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અમેરિકન લશ્કર ઉપર ગંભીર આરોપ મૂક્યો હતો કે વુહાનમાં કોરોના વાયરસ અમેરિકન લશ્કરે ફેલાવ્યો છે.

અમેરિકા અને ચીન વચ્ચે કોરોના વાયરસ મુદ્દે નવો વિવાદ શરૂ થયો છે. અમેરિકા-ચીનના અધિકારીઓએ એક બીજા ઉપર આરોપો મૂકી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓબ્રાયને એવો આરોપ મૂક્યો હતો કે ચીને વાયરસ ફેલાયો પછી પણ સારવારમાં અને પગલાં ભરવામાં ઢીલ કરી એટલે દુનિયાભરમાં વાયરસ ફેલાઈ ગયો છે.

એ પછી ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને અમેરિકા ઉપર ગંભીર આરોપ મૂકતા ટ્વીટ કર્યું હતું કે વુહાનમાં અમેરિકન લશ્કરે જ કોરોના વાયરસ ફેલાવ્યો છે.

આ ચીની અધિકારીએ અમેરિકન અધિકારી રોબર્ટ રેડફિલ્ડનો એક વિડીયો શેર કર્યો હતો, જેમાં રેડફિલ્ડ અમેરિકન સંસદ સમક્ષ કબૂલે છે કે અમેરિકામાં અમુક લોકોને કોરોના વાયરસ થયો હતો, પરંતુ તેની જાણ પછીથી થઈ હતી કે તે કોરોના વાયરસ હતો.

અમેરિકાના સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડિરેક્ટર રોબર્ટ રેડફિલ્ડનો આ વિડીયો પુરાવા તરીકે મૂકીને ચીનના અધિકારીએ અમેરિકાના લશ્કર ઉપર ગંભીર આરોપ મૂક્યો હતો.

ચીની અધિકારીની ટ્વિટ પછી હોબાળો થયો એટલે ચીને સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે અધિકારીની ટ્વીટમાં તેમનો અંગત અભિપ્રાય વ્યક્ત થયો છે. અગાઉ રશિયન જાસૂસે પણ એવો આરોપ લગાવ્યો હતો કે ચીનની લેબોરેટરીમાં બાયોવેપન્સ તરીકે કોરોનાનો ઉદ્ભવ થયો છે.

ચીનમાં કોરોનાનો પહેલો કેસ નવેમ્બર-2019માં નોંધાયો હતો

ચીની સરકારના ડેટાના આધારે ચીનના અખબારે દાવો કર્યો હતો ચીનમાં કોરોનાનો પહેલો કેસ નવેમ્બર-2019માં નોંધાયો હતો. 17મી નવેમ્બર-2019ના દિવસે કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો હતો.

ડિસેમ્બરના છેલ્લાં સપ્તાહમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હોવાનું અગાઉ ચીને કહ્યું હતું, પરંતુ ચીની સરકારના જ આંકડા પ્રમાણે 2019માં 31મી ડિસેમ્બર સુધીમાં 266 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. સરકારી ડેટાના આધારે દાવો કરાયો હતો કે હુબેઈ પ્રાંતના એક 55 વર્ષના આધેડને સૌપ્રથમ કોરોના હોવાનું નિદાન થયું હતું.

Share Now