સરકારે તમામ યુઝર્સનો કોલ રેકોર્ડ માગ્યો, મોબાઈલ ઓપરેટરોનો ઈનકાર

302

સરકારે દિલ્હી, આંધ્રપ્રદેશ, હરિયાણા, હિમાચલપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, કેરળ, ઓડિશા, MP અને પંજાબના સર્કલમાં યુઝર્સના રેકોર્ડ માગ્યા હતા

એજન્સી > નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ફરજિયાત યુઝર્સની ગોપનીયતા અંગેના દિશાનિર્દેશોના કથિત ઉલ્લંઘન અને સર્વેલન્સના સવાલોને જોઈને સરકાર કેટલાક મહિનાથી દેશના અનેક ક્ષેત્રોમાંથી તમામ મોબાઈલ ગ્રાહકોનો કેટલાક દિવસનો કોલ ડેટા રેકોર્ડ (સીડીઆર) માગી રહી છે. અહેવાલો અનુસાર, આ અસામાન્ય માગણી દૂરસંચાર વિભાગના સ્થાનિક એકમોનાં માધ્યમથી દૂરસંચાર ઓપરેટરો સમક્ષ કરાઈ છે. જેમાં દિલ્હી, આંધ્રપ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, કેરળ, ઓડિશા, મધ્યપ્રદેશ અને પંજાબ સર્કલના યુઝર્સ માટે રેકોર્ડ માગવામાં આવ્યા છે.

પોતાનું નામ ન જણાવવાની શરતે ટેલીકોમ ઓપરેટરના એક વરિષ્ઠ કાર્યકારી અધિકારીએ કહ્યું હતું, ‘આવું અનેક મહિનાથી ચાલી રહ્યું છે પરંતુ જાન્યુઆરી, ફેબ્રુઆરી દરમિયાન અમે મોટી સંખ્યામાં આવનારા આ અનુરોધઓ પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે.’

ગત ૧૨ ફેબ્રુઆરીએ તમામ મુખ્ય દૂરસંચાર ઓપરેટરોનું પ્રતિનિધિત્વ કરનારા સેલ્યુલર ઓપરેટર્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા (સીઓએઆઈ)એ દૂરસંચાર વિભાગના સચિવ અંશુ પ્રકાશને એક ફરિયાદ કરીને આ અનુરોધ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. અંશુ પ્રકાશને મોકલાયેલી પોતાની નોટમાં વિશિષ્ટ માર્ગો/ક્ષેત્રો માટે માગવામાં આવેલા સીડીઆર સર્વેલન્સના આરોપોને જન્મ આપી શકે છે, ખાસ કરીને દિલ્હી જેવા રાજ્યોમાં જ્યાં અનેક વીવીઆઈપી ઝોન છે અને અહીં મંત્રીઓ, સાંસદો, ન્યાયાધીશો વગેરેના નિવાસસ્થાન અને કાર્યાલય છે.

સીઓએઆઈએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે પોતાના અનુરોધમાં ડીઓટી એકમોએ આ સીડીઆરની આવશ્યકતા માટે ઈચ્છિત ઉદ્દેશ કે ગ્રાહકોની ઓળખનો ઉલ્લેખ કર્યો નથી, જે ગોપનીયતાના માપદંડોનું ઉલ્લંઘન છે. ઓપરેટરો સાથે દૂરસંચાર વિભાગના લાયસન્સ કરારની કલમ ૩૯.૨૦ અંતર્ગત ઓછામાં ઓછા એક વર્ષની તપાસ માટે દૂરસંચાર વિભાગ દ્વારા સીડીઆર અને આઈપી ડિટેલ રેકોર્ડ્સ (આઈપીડીઆર)ને સંરક્ષિત રાખવાના હોય છે. જ્યારે દૂરસંચાર વિભાગ સમયાંતરે આ નિર્દેશ જારી કરી શકે છે.

લાયસન્સની શરત એ પણ જણાવે છે કે મોબાઈલ કંપનીઓ દ્વારા સીડીઆર લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ અને વિવિધ અદાલતોને તમના વિશિષ્ટ અનુરોધ કે નિર્દેશો પર પ્રદાન કરવામાં આવે છે જેના માટે એક નિર્ધારિત પ્રોટોકોલ છે.
૨૦૧૩માં રાજ્યસભામાં વિપક્ષના તત્કાલીન નેતા અરૂણ જેટલી સહિત અનેક રાજનેતાઓના સીડીઆર માટે અનધિકૃત પહોંચ અંગે હંગામા પછી યુપીએ સરકારે કોલ રેકોર્ડ પ્રાપ્ત કરવા માટે દિશાનિર્દેશો આકરા કરવાનો નિર્ણય લીધો હતો. ટ્રાઈના એક પૂર્વ અધ્યક્ષે કહ્યું હતું, ‘આ ઘણું અસામાન્ય છે. જ્યારે તેમની પાસે એક ડેટાબેઝ હોય છે તો તેઓ એ ડેટાબેઝનો ઉપયોગ એ જાણવા માટે કરી શકે છે કે કોણે કોની સાથે વાત કરી હતી. સીડીઆર રેકોર્ડ માગવા માટે કોઈ કારણ હોવું જોઈએ અને આ કારણ વિના આ એક મનમાનીપૂર્વકની કાર્યવાહી અને ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે.’

Share Now