નિર્ભયાના ચારેય દોષિતોને આવતીકાલે ફાંસી થશે, પવનનો છેલ્લો દાવ પણ થયો ફેલ

487

ગેંગરેપ વખતે સગીર હોવાનો દાવો કરતી પવનની ક્યૂરેટિવ પિટિશન પણ સુપ્રીમ કોર્ટે ફગાવી
એજન્સી, નવી દિલ્હી

નિર્ભયા ગેંગરેપ કેરના ચારેય દોષિતોને આવતીકાલે તિહાડ જેલમાં સવારે 5.30 કલાકે ફાંસી આપવાનું નક્કી છે. ચારેય દોષિતોની ફાંસીને આડે 24 કલાકથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે ફાંસીની સજાને ટાળવા માટે હજુ પણ દોષિતો હવાતિયા મારી રહ્યા છે. નિર્ભયા કેસના એક દોષિત પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી ક્યૂરેટિવ પિટિશનને ફગાવી દેવામાં આવી છે. આ અરજીમાં પવન ગુપ્તાએ ગેંગરેપની ઘટના વખતે તે સગીર હોવાનો દાવો કર્યો છે. ચારેય દોષિતોને આવતીકાલે ફાંસીના માચડે લટકાવી દેવામાં આવશે. જલ્લાદ દ્વારા આ માટેનું રીહર્સલ પણ પૂર્ણ કરી લીધું છે.

દોષિતોએ ફાંસી રોકવા માટે ભારે ધમપછાડા કર્યા હતા અને ત્રણ મહિનાથી કાયદાકીય રીતે લડત લડી હતી પરંતુ તમામ દોષિતોની ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખતા ઓર્ડર સામેની ક્યૂરેટિવ પિટિશનને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્વારા પણ તમામની દયા અરજી ફગાવી દેવામાં આવી હતી. દોષિતોએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે જેમાં કોરોનાને પગલે ફાંસી અટકાવવા માંગ કરવામાં આવી છે. આ અરજીમાં તેમણે અલગ-અલગ વિચારાધિન અરજીનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત દોષિતોએ મહામારીને પગલે ફાંસી ટાળવાનું પણ જણાવ્યું છે.

આવતીકાલે નિર્ભયાને ન્યાય મળશે : આશા દેવી

નિર્ભયાની માતા આશા દેવીએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આવતીકાલે ચારેય દોષિતોને ફાંસીએ લટકાવી દેવાશે અને તેમની દીકરીને ન્યાય મળશે. નિર્ભયાની માતાએ જણાવ્યું કે કોર્ટે તેમને ઘણી તકો આપી છે એટલા માટે તેમને કોઈને કોઈ બહાનું બતાવવાની આદત પડી ગઈ છે.

વકીલની દલીલ – બાળકને ફાંસી ના આપો

દોષિતના વકીલ એપી સિંહે જણાવ્યું કે, ‘પ્રકૃતિ જણાવે છે કે જો ફાંસીએ લટકાવવા દોરડા ખરીદશું તો માસ્ક વધારવા પડશે. એક દિવસ એવો હશે કે માસ્કથી પણ સારવાર નહીં થઈ શકે. એટલા માટે કહું છું કે પ્રકૃતિનું માનો. આવું ના કરો. 16 વર્ષના બાળકને ફાંસી ના આપો. અન્યાય થઈ રહ્યો છે. દબાણ હેઠળ આ બધું થઈ રહ્યું છે. મીડિયાનું દબાણ છે, રાજકીય દબાણ છે. આ કોઈ આતંકીનો નથી. કાયમી ગુનાહિત માનસિકતા પણ નથી ધરાવતો. આ સૌથી મોટી વાત છે જેને ધ્યાનમાં રાખવી જોઈએ.’

ત્રણ દોષિતો સાથે પરિવારજનોએ મુલાકાત કરી

દિલ્હીની કોર્ટે નિર્ભયા કેસના દોષિતોને શુક્રવાર સવારે 5.30 કલાકે ફાંસી આપવા ડેથ વોરન્ટ જાહેર કર્યું છે. જેલમાં ફાંસીની સંપૂર્ણ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. અક્ષય ઠાકુરને બાદ કરતા ત્રણેય દોષિતો પવન, વિનય અને મુકેશના પરિવારજનોએ તેમની સાથે મુલાકાત કરી હતી.

ફાંસી માટેના અલગ સેલમાં ચારેયને શિફ્ટ કરાયા

ફાંસીની સજાના અમલ માટે જેલ તંત્રએ 10 અને કર્મચારીઓને વિવિધ જેલોમાંથી ફાંસી આપવા માટેની જેલ નંબર ત્રણમાં તાત્કાલિક અસરથી શિફ્ટ કરી દીધા છે. 20 માર્ચ સુધી આ લોકોની ડ્યુટી અહીં રહેશે. બુધવારના ફાંસીનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. ચારેય દોષિતોને ફાંસી આપવા માટે અલગ સેલમાં શિફ્ટ કરી દેવાયા છે. 19મીએ તેમને રાત્રે ઉંઘ પણ ના આવે તેવું બની શકે છે. 20માર્ચના પરોઢીયે દોષિતોને સ્નાન કરવા તેમજ નાસ્તા માટે પૂછવામાં આવશે.

Share Now