દિલ્હી અને યુપીમાંથી આવી ચાઈલ્ડ પોર્નોગ્રાફીની સૌથી વધુ ફરિયાદોઃ સ્મૃતિ ઈરાની

329

ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વધતા મામલા દેશ અને દુનિયા માટે ચિંતાનો વિષય બની રહ્યા છે. આ દૂષણને દામવા માટે વિવિધ દેશોની સરકારો દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે, છતા તેને દામવામાં જોઈતી સફળતા મળી નથી. દરમિયાન કેન્દ્રીય મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ શુક્રવારે લોકસભામાં જાણકારી આપી હતી કે, ચાઈલ્ડ પોર્નોગ્રાફીના મામલામાં સૌથી વધુ ફરિયાદ યુપી અને દિલ્હીમાં નોંધાઈ છે. તેમણે જણાવ્યું હતું કે, ગત 4 વર્ષોમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા આયોગની પાસે ચાઈલ્ડ પોર્નોગ્રાફીની કુલ 56 ફરિયાદો આવી છે, જેમાં 17 યુપી અને 10 દિલ્હીમાંથી આવી હતી.

સદનમાં સ્મૃતિ ઈરાની દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર, 2016-17 અને 2017-18માં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના કુલ 7 મામલા નોંધાયા હતા. જ્યારે 2018-19માં 23 અને 2019-20માં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના કુલ 19 મામલા નોંધાયા હતા. સ્મૃતિ ઈરાનીએ વધુમાં કહ્યું હતું કે, આયોગે આ ઉપરાંત, 31 વેબસાઈટ્સ પણ ચિહ્નિત કરી છે, જેના પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી સાથે સંકળાયેલી સામગ્રી દર્શાવવામાં આવી રહી હતી. આયોગે જાતે તેની નોંધ લઈને ગૃહ મંત્રાલયના સાયબર પોર્ટલમાં 31 મામલા પણ નોંધાવ્યા છે.

સ્મૃતિ ઈરાનીએ એક બીજા સવાલના જવાબમાં સદનને જણાવ્યું હતું કે, 2018માં દેશભરમાં 501 બાળ વિવાહના મામલા નોંધવામાં આવ્યા છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, 20-24 વર્ષની ઉંમરની એવી મહિલાઓ જેમના લગ્ન 18 વર્ષની ઉંમર કરતા પહેલા થઈ ગયા હતા તેમની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. 2005-06માં જ્યાં તેની સંખ્યા 47.4 ટકા હતી, 2015-16માં તે ઘટીને 26.8 ટકા થઈ ગઈ.

Share Now