કોરોના વિરુદ્ધ લડાઇમાં તાતા ગ્રુપે 1500 કરોડ રુપિયા દાન કર્યા

688

અંબાણી, મહિન્દ્રા જેવા ઉદ્યોગપતિઓ આગળ આવ્યા

એજન્સી, મુંબઇ

કોરોના વાયરસ જેવી ભયાનક મહામારી સામેની જંગમાં દેશના ઉદ્યોગપતિઓ પણ મદદે આવી રહ્યા છે. તાતા ગ્રુપે આ માટે 1500 કરોડ રુપિયા દાન આપવાની જાહેરાત કરી છે. જે પૈકી 500 કરોડ રુપિયા ટાટા ટ્રસ્ટ દાન આપ્યા છે, જ્યારે 1000 કરોડ રુપિયા ટાટા સન્સ દ્વારા દાન આપવામાં આવ્યા છે. સાથે-સાથે કોરોના સામેની જંગમાં લડી રહેલા ડોક્ટર્સ, નર્સીસ અને મેડિકલ કર્મચારીઓ, દર્દીઓ માટે તાતા ગ્રુપે તાજ હોટલ સાથે મળીને ભોજપ પુરુ પાડવાની વ્યવસ્થા પણ કરી છે. કોરોના સામેની જંગમાં ડોક્ટર્સ, નર્સીસ અને અન્ય મેડિકલ સ્ટાફ રાત દિવસ દર્દીઓની સારવાર કરી રહ્યા છે, વાયરસ ઘરે ન પહોંચે એ માટે તેઓ ઘરે પણ નથી જઇ રહ્યા. એવામાં તેમની ખાવા-પીવાની વ્યવસ્થા ખોરવાઇ જતા તાતા ગ્રુપે આ જવાબદારી ઉઠાવી હતી.

મુંબઇ મહાનગર પાલિકાએ ટ્વીટ કરી આ અંગેની જાણકારી આપી હતી.

આ પહેલા મેદાંતા ગ્રુપના અનિલ અગ્રવાલે 100 કરોડ રુપિયા દાન આપવાની જાહેરાત કરી હતી. મહિન્દ્રા ગ્રુપના આનંદ મહિન્દ્રાએ તેમની એક મહિનાની સેલરી આપવાની જાહેરાત કરી છે.

જોકે તાતા ગ્રુપ પહેલા જ જાહેરાત કરી ચૂક્યુ હતું કે તે દેશભરમાં તેની ઓફિસ અને મેન્યુફેક્ચરિંગ સાઇટ્સ પર કામ કરતા કર્મચારીઓ તથા મજૂરોને પૂરેપુરી મજૂરી આપશે તથા કર્મચારીઓનો પગાર કાપવામાં આવશે નહીં. બુધવારે બિસ્કિટ બનાવતી પાર્લેએ પણ જાહેરાત કરી હતી કે આગામી ત્રણ અઠવાડિયા સુધી ત્રણ કરોડ બિસ્કિટ પેકેટ દાનમાં વહેંચશે.

રિલાયન્સે પણ મુંબઇમાં આ મહામારી સામેની જંગમાં બીએમસીની મદદ કરતા ખાસ હોસ્પિટલનું નિર્માણ કર્યુ છે. જેમાં 100 બેડ છે અને હોસ્પિટલનું નામ કોવિડ-19 રાખવામાં આવ્યું છે.

Share Now