નવી દિલ્હી,
સમગ્ર દુનિયામાં કોરોનાએ કેર વર્તાવ્યો છે. ગુગલમાં પણ આ દિવસોમાં સૌથી વધારે કોરોવા વાઈરસ શબ્દ સર્ચ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં તુર્કમેનિસ્તાને કથિતરીતે ‘કોરોના વાઈરસ’ શબ્દ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સાથે જ લોકોને માસ્ક પહેરવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર તુર્કમેનિસ્તાનની સરકારે ફરમાન બાદ સ્થાનિક મીડિયા અને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા વહેંચવામાં આવી રહેલા હેલ્થ ઈન્ફોર્મેશન બ્રોશરમાં પણ આ શબ્દનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ દેશમાં આ મહામારી સાથે જોડાયેલો કોઈ કેસ નથી.
આ દેશમાં તેના વિશે વાતો કરવા પર પણ પોલીસ લોકોને ડિટેઈન કરી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે લોકો વચ્ચે સિવિલ ડ્રેસમાં ખાસ એજન્ટ્સ રહે છે જે છૂપાઈને તેમની વાતો સાંભળે છે જેથી તેઓ તે લોકોને ઓળખી શકે જે કોરોના વાઈરસ વિશે વાતચીત કરી રહ્યાં છે. આ દેશ કોરોનાના કેસનો ઈનકાર કરવા છતાં પણ સરકાર આ વાઈરસને રોકવા માટે પગલાં ભરી રહી છે. આ સિવાય દેશમાં ચાલી રહેલા આંદોલનો પર રોક લગાવી દીધી છે.