દિલ્હી : તબલીગી જમાતમાં હાજર રહીને દક્ષિણ આફ્રિકા પહોંચેલા મૌલાનાનું કોરોનાથી મોત

517

– 80 વર્ષના મૌલાનાને તબલીગીના કાર્યક્રમ દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યો હતો
– પરિવારે દિલ્હીમાં ન જવાની સલાહ આપી હતી, પરંતુ ‘કિસ્મત અલ્લાહના હાથમાં છે’ : એમ કહીને મૌલાનાએ તબલીગીના કાર્યક્રમમાં હાજરી આપી હતી

જ્હોનિસબર્ગ,

દિલ્હીના નિઝામુદ્દીનમાં આવેલી તબલીગી જમાતના કાર્યક્રમમાં હાજર રહેલા દક્ષિણ આફ્રિકાના ૮૦ વર્ષના મૌલાનાનું કોરોના સંક્રમણથી મોત થયું હતું. પરિવારે ના પાડી હતી છતાં મૌલાનાએ ધામક કાર્યક્રમમાં હાજરી આપી હતી.

દક્ષિણ આફ્રિકાના મૌલાના યુસુફ ટૂટલાનું ૮૦ વર્ષની વયે કોરોના સંક્રમણના કારણે મોત થયું હતું. મૌલાનાના પરિવારે જણાવ્યું હતું કે જ્યારે દિલ્હીમાં કાર્યક્રમ યોજાવાનો હતો ત્યારે કોરોનાએ દુનિયાભરમાં હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું હતું. એ વખતે સાવચેતીના ભાગરૂપે મૌલાનાને દિલ્હીના કાર્યક્રમમાં ન જવાની સલાહ આપી હતી, પરંતુ મૌલાનાએ કિસ્મત અલ્લાહના હાથમાં છે એમ કહીને ધાર્મિક મેળાવડામાં હાજરી આપી હતી.

મૌલાનાના પરિવારજનોએ કહ્યું હતું કે મૌલાના યુસુફે ૧થી ૧૫મી માર્ચ સુધી યોજાયેલા તબલીગી જમાતના ધાર્મિક મેળાવડામા હાજરી આપી હતી. ભારતથી દક્ષિણ આફ્રિકા આવ્યા પછી મૌલાનાના શરીરમાં ફ્લુના લક્ષણો જોવા મળ્યા હતા. તેના સેમ્પલનું પરીક્ષણ થયું તેમાં કોરોના હોવાનું જણાયું હતું.

મૌલાનાની સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેમની તબિયત સતત ખરાબ થઈ ગઈ હતી. એના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. મૌલાનાએ સારવાર દરમિયાન પણ ધર્મપ્રચારની વાતને કટ્ટરતાથી વળગી રહીને એવું કહ્યું હતું કે ઉપરવાળાએ નક્કી કર્યું હોવાથી તેને કોરોનાને ચેપ લાગ્યો છે.

૮૦ વર્ષીય મૌલાનાના કારણે તેના આખા પરિવારને ચેપ લાગ્યો હોવાની શક્યતા છે. આખા પરિવારને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. પરિવારના સભ્યોના શરીરમાં હજુ સુધી કોઈ જ લક્ષણો જોવા મળ્યા નથી એવું દક્ષિણ આફ્રિકાના હેલ્થ વિભાગે કહ્યું હતું.

Share Now