15મીએ લોકડાઉન હટાવીશું પણ ટોળા નહીં ચલાવીએ : યોગી

311

– સાંસદો પાસેથી યોગીએ અભિપ્રાય માગ્યા
– લોકડાઉન હટયા બાદ લોકો ટોળે વળશે તો મહેનત પર પાણી ફરી વળશે : યોગી

લખનઉ,

ઉત્તર પ્રદેશ સરકારે જાહેરાત કરી છે કે આગામી ૧૫મી એપ્રીલે લોકડાઉન હટાવી લેવામાં આવશે. જોકે લોકોના ટોળા એકઠા ન થાય તે માટે પણ સરકાર આયોજન ઘડી રહી છે. ઉત્તર પ્રદેશના સાંસદો સાથેની વાતચીતમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ જાહેરાત કરી હતી સાથે લોકડાઉન હટાવી લેવામાં આવે તે બાદની પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારી કરવાની સલાહ આપી હતી.

યોગી આદિત્યનાથે સાંસદોને કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાંથી અમે લોકડાઉનને ૧૫મી તારીખે હટાવી લઇશું. જોકે આપણે એ વાતની તકેદારી રાખવી પડશે કે લોકોના ટોળા એકઠા ન થાય. અને આ માટે સાંસદોના સહિયોગ અને મદદની જરુર પડશે. કેમ કે જો લોકડાઉન હટાવી લેવામાં આવ્યું અને લોકોના ટોળા એકઠા થવા લાગ્યા તો આપણી મહેનત પર પાણી ફરી વળશે.

યોગીએ વધુમાં કહ્યું હતું કે આવું ન થાય તે માટે આપણે કોઇ ચોક્કસ માળખુ ઘડવું પડશે. અને તે માટે સાંસદોએ પોતાના સલાહ સુચનો સરકારને મોકલવા. આ ઉપરાંત લોકડાઉન લાગુ છે ત્યારે પોત પોતાના મત વિસ્તારોમાં કોઇ પણ નાગરિકને કોઇ મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવા પણ યોગીએ સાંસદોને કહ્યું છે. સાંસદો પોતાના પ્રતિભાવો આપે તે બાદ જ એ નક્કી કરાશે કે લોકડાઉન હટાવ્યા બાદ પણ કેવા પ્રકારની છુટછાટ લોકોને આપવી. કેમ કે લોકડાઉન પૂર્ણ થઇ ગયા બાદ પણ અનેક પડકારો રહેવા. જે લોકો દાન આપી રહ્યા છે તેનો ઉપયોગ મેડિકલ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે કરવામાં આવશે.

Share Now