પાક. કોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં પૂર્વ પીએમ નવાઝ શરીફનું ધરપકડ વોરન્ટ કાઢ્યું

271

ઈસ્લામાબાદ : પાકિસ્તાનની કોર્ટે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ વિરુદ્ધ ભ્રષ્ટાચાર કેસમાં કોર્ટમાં હાજર નહીં રહેવાને કારણે ધરપકડ વોરન્ટ ઈશ્યુ કર્યું છે. શરીફ હાલમાં લંડનમાં તબીબી સારવાર લઈ રહ્યા છે. તેમની વિરુદ્ધ રાષ્ટ્રીય તિજોરીમાંથી લક્ઝરી ગાડીઓ તેમજ કિંમતી ભેટસોગાદો મેળવવા બદલ ભ્રષ્ટાચારનો કેસ થયો છે.

શુક્રવારે ઈસ્લામાબાદ સ્થિત કોર્ટે આ કેસની સુનાવણી કરી હતી. આ કેસમાં પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને યુસુફ રઝા ગિલાની પણ આરોપી છે. વિદેશી મહાનુભવો દ્વારા અપાયેલી ભેટ રાષ્ટ્રની માલિકીની ગણાય છે જેને આ લોકોએ મેળવી કથિત ભ્રષ્ટાચાર કર્યો હતો. નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરો (એનએબી) એ 2જી માર્ચના આ મામલે કેસ દાખલ કર્યો હતો અને વિશેષ કોર્ટના જજ સૈયદ અઝગર અલીએ 15 મેના ત્રણેય નેતાઓ તેમજ અન્ય દોષિતો ખ્વાજા અનવર મજીદ અને અબ્દુલ ગની મજીદ વિરુદ્ધ સમન્સ ઈશ્યુ કર્યું હતું.ગિલાની તેમજ ગની કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા જ્યારે શરીફ અને ઝરદારી ગેરહાજર હતા.

એકાઉન્ટેબિલિટી કોર્ટ સમક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ ઝરદારી દ્વારા આ કેસમાં હાજર રહેવામાંથી છૂટ અંગેની અરજી કરાઈ હતી જેને કોર્ટે ગાહ્ય રાખી હતી.જ્યારે પૂર્વે પીએમ નવાઝ શરીફના પક્ષે કોઈ જ હાજર ના રહેતા તેમની વિરુદ્ધ કોર્ટે ધરપકડ વોરન્ટ કાઢ્યું હતું.કોર્ટે શરીફ અને ઝરદારી સહિતના તમામ આરોપીઓને 11 જૂનના રોજ હાજર રહેવા નિર્દેશો આપ્યા છે.

અગાઉ એનએબીએ રાષ્ટ્રના તોશાખાનામાં આ ભેટ સોંપવાને બદલે પોતાની પાસે રાખી લેવાથી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડવા બદલ ટોચના વડાઓ સામે ગુનો નોંધવા મંજૂરી આપી હતી. એનએબીએ પૂર્વ પીએમ શરીફ અને ગીલાની તેમજ પૂર્વ રાષ્ટ્રપતિ ઝરદારી વિરુદ્ધ કિંમતી ભેટો તેમજ મોંઘીદાટ ગાડીઓ પોતાના કબ્જામાં રાખવા બદલ કેસ કર્યો હતો.એનએબીએ આક્ષેપ કર્યો છે કે શરીફ તેમજ ઝરદારીએ ભેટમાં મળેલી કારની 15 ટકા કિંમત ચુકવીને પોતાના નામે ટ્રાન્સ્ફર કરાવી હતી જ્યારે ગિલાનીએ ગેરકાયદે પ્રક્રિયા હળવી બનાવીને ભેટ તેમજ મોંઘી ગાડીઓ પોતાના નામે કરી લીધી હતી જેથી દેશને નોંધપાત્ર નુકસાન થયું હતું.તોશાખાનામાં રહેલી ભેટોની નિલામી ના થાય ત્યાં સુધી તેના પર રાષ્ટ્રનો જ અધિકાર રહેતો હોય છે.

પીએમ ઈમરાન ખાનની સરકારે સત્તા સંભાળ્યા બાદ પૂર્વ પીએમ નવાઝ શરીફ વિરુદ્ધ અઢળક ભ્રષ્ટાચારના કેસો કરવામાં આવ્યા છે. શરીફને લાહોર હાઈકોર્ટે વિદેશમાં સારવાર માટે ચાર સપ્તાહ જવાની મંજૂરી આપતા તેઓ ગત નવેમ્બરથી લંડનમાં છે. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે તેમને ફિટ જાહેર કરાશે અને તેઓ મુસાફરી કરી શકશે ત્યારે તેઓ કાયદાકીય પ્રક્રિયાનો સામનો જરૂરથી કરશે.શરીફને અલ અઝિઝા મિલ ભ્રષ્ટાચાર કેસમાં લાહોરની કોટ લખપત જેલમાં સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી જો કે બાદમાં તેમને જામીન મળી ગયા હતા.

Share Now