‘ટુ મચ એન્ડ નેવર ઇનફ’ : પાવર, પરિવાર અને પોલિટિક્સ!

270

મેરી પોતાના પુસ્તકમાં લખે છે, ‘અમારા પરિવારે ક્યારેય નીતિ-મૂલ્યો અને સિદ્ધાંતોને મહત્વ આપ્યું જ નથી. મારા દાદા (ફ્રેડ ટ્રમ્પ સીનિયર) પણ પોતાના સંતાનોને અનૈતિક પ્રવૃતિ વધુ શીખવતા. ચોરી કરવી, ખોટું બોલવું, માર-પીટ કરવી, વડીલોનું અપમાન કરવું, અભદ્ર ભાષામાં વાત કરવી વગેરે જેવા દુર્ગુણો સાથે મારા પપ્પા અને એમના ભાઈઓ મોટા થયા. ડોનાલ્ડે આગળ જતાં મારા દાદાનો વારસો સંભાળ્યો. રિયલ એસ્ટેટના ધંધાને તેઓ આગળ લઈ ગયા. મારા પપ્પા (ફ્રેડ ટ્રમ્પ જુનિયર)ની એમાં ઝંપલાવવાની કોઈ ઇચ્છા નહોતી, આથી તેઓ પાઇલટ બન્યા.

અમે ટ્રમ્પ પરિવારનો હિસ્સો હોવા છતાં ઓરમાયું વર્તન કરવામાં આવ્યું. અમેરિકાના આટલા પ્રતિષ્ઠિત પરિવાર પાસેથી અમને સાવ હલકી કક્ષાની ભેટ-સૌગાદો આપીને નાનપ મહેસૂસ કરાવવામાં ડોનાલ્ડે કંઈ બાકી નથી રાખ્યું. એના લીધે અમારો પરિવાર જીવનભર લઘુતાગ્રંથિ અનુભવતો રહ્યો. હું સાયકોલોજિસ્ટ હોવાને નાતે એ સમજી શકું છું કે સામેવાળા માણસને લઘુતાગ્રંથિનો અનુભવ કરાવવો એ વાસ્તવમાં હત્યા કરતાં પણ વધુ મોટો ગુનો છે! એ માણસને કારણે મારા પિતા આલ્કોહોલિક બન્યા અને 42 વર્ષની નાની ઉમરે હ્રદયરોગને કારણે મૃત્યુ પામ્યા. એ વખતે હું કિશોરાવસ્થામાં હતી.’

મેરી ટ્રમ્પ લખે છે, ‘હું મારી આંટી એટલે કે ટ્રમ્પની બહેન બેરી સાથે ખાસ્સા સંપર્કમાં હતી. 2015માં કાકાએ અમેરિકામાં ચૂંટણી લડવાની જાહેરાત કરી ત્યારે અમને વિશ્વાસન નહોતો. એવું લાગતું હતું કે તેઓ પોતાની બ્રાન્ડની મફતમાં પબ્લિસિટી લૂંટી લેવા માંગે છે. બેરી આંટીએ કહ્યું પણ ખરા કે, ડોનાલ્ડ તો જોકર છે! આ ચૂંટણી એ જીતે એવી કોઈ શક્યતા નથી. પરંતુ અમારી ધારણા ખોટી પડી. ચૂંટણી પરિણામોની એ સવાર મારા માટે સૌથી ખરાબ હતી.’ મેરી ટ્રમ્પે એ દિવસે પોતાના ટવીટર પર લખ્યું હતું કે, ‘અમેરિકા માટે હું દુ:ખ વ્યક્ત કરૂ છુ!’

આલેખન – પરખ ભટ્ટ : ડોનાલ્ડ ટ્રમ્પના નસીબ કહો કે સ્ટ્રેટેજી, પણ ચૂંટણી સમયે તેને યેનકેન પ્રકારેણ વિવાદો ઊભા કરવા માટે વિષયો મળી જાય છે. જ્યોર્જ ફ્લોઈડના મુદ્દે પણ એણે પુષ્કળ નેગેટિવ પબ્લિસિટી મેળવી. કોરોના તો ખેર મહિનાઓથી ચાલે છે, અને અમેરિકામાં શું હાલત છે એનાથી આપણે સૌ બરાબર વાકેફ છીએ. હવે એમના જ પરિવારની એક સદસ્યએ આગળ આવીને ‘ટ્રમ્પ’ પરિવારના ભૂતકાળ અને ડોનાલ્ડ ટ્રમ્પની માનસિકતા છતી કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પના ભાઈ ફ્રેડ ટ્રમ્પની દીકરી, એટલે કે અમેરિકન પ્રેસિડન્ટની ભત્રીજી… મેરી ટ્રમ્પ!

ડોનાલ્ડ ટ્રમ્પના ભાઈ રોબર્ટ ટ્રમ્પે ઘણી કોશિશ કરી કે પુસ્તક પ્રકાશિત થતું અટકી જાય. પરંતુ મેરીના પ્રકાશક ‘સાયમન એન્ડ સ્ક્સ્ટર’ પણ પોતાની વાત પર મક્કમ હતા. તેમણે મેરીનો જ સાથ આપ્યો. પહેલા 28 જુલાઈએ પુસ્તક લોન્ચ કરવાનું નક્કી થયું અને ત્યારબાદ 14મી જુલાઈએ! આ લેખ તમે વાંચી રહ્યા હશો ત્યાં સુધીમાં પુસ્તક માર્કેટમાં આવી ગયું હશે. મેરી ટ્રમ્પે પોતાના પુસ્તકમાં અનેક ઘટસ્ફોટ કર્યા છે, જેમાથી કેટલાક ખાસ મુદ્દા આજે અહીં ટાંકવાની ઇચ્છા છે.

મેરી ટ્રમ્પ પોતાના કાકાને આત્મશ્લાઘીનો ખિતાબ આપી ચૂકી છે. તે કહે છે કે, ટ્રમ્પ પરિવારે ડોનાલ્ડને એટલી હદે ખતરનાક બનાવી દીધો છે, જેનો અમેરિકનોને અંદાજ સુદ્ધાં નથી. મેરી એક જગ્યાએ ટાંકે છે, ‘મારા પપ્પાને હેરાન કરવામાં આ માણસે બાકી નથી રાખ્યું. નાનપણમાં પણ તે પોતાના નાના ભાઈ ફ્રેડ ટ્રમ્પ એટલે કે મારા પપ્પાને પુષ્કળ પજવતો. તેના લીધે ઘરમાં બહુ કલેશ થતાં. ડોનાલ્ડ ટ્રમ્પને જોઈને કિમ-જોંગઉન અને વ્લાદિમીર પુતિન જેવા શાસકોની યાદ આવી જાય છે.’

અમેરિકાના હુઝ-હુ કહી શકાય એવા ઘણા લોકોનું માનવું છે કે મેરી ટ્રમ્પના પુસ્તકને કારણે ડોનાલ્ડના સમર્થકોને કોઈ ફર્ક નથી પડવાનો! તે તો હજુ પણ આંધળૂકિયે જ ટ્રમ્પને મત આપશે. એમના માટે ડોનાલ્ડે નાનપણમાં શું કર્યું છે, શું નહી એ મહત્વનુ છે જ નહી. આ પુસ્તકને પ્રકાશિત થતું અટકાવવા માટે કોર્ટના કાવાદાવાથી માંડીને ઘણા કિમીયાઓ અજમાવવામાં આવ્યા. ડોનાલ્ડ એવું કહે છે કે, મેરી ટ્રમ્પે વર્ષો પહેલા એક અગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં તે ક્યારેય ટ્રમ્પ પરિવારની અંગત જિંદગી ઉજાગર કરવાનું કામ નહી કરે. એ પછીના વર્ષો સુધી મેરી ચૂપ રહી અથવા એમ કહોને કે કરી દેવામાં આવી.

પરંતુ હવે તે પરત ફરી છે. મેરીનો મત છે કે ડોનાલ્ડને અગર હવે રોકવામાં ન આવ્યો તો તે અમેરિકાને ઘણું નુકશાન પહોચાડી બેસશે. પુસ્તકને અતિશય પીડા અને ભૂતકાળના ભાર હેઠળ લખવામાં આવ્યું છે. પરંતુ ડોનાલ્ડની વાસ્તવિકતાનો ચિતાર આપવા માટે આના સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. જે લોકો એમને ટેકો આપી રહ્યા છે, એવા લોકો માટે આ તમામ બાબતો જાણવી જરૂરી હતી.

1999ની સાલમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના પિતા ફ્રેડ ટ્રમ્પ (સીનિયર) અવસાન પામ્યા, ત્યારે એમણે તૈયાર કરેલી વસિયતમાથી મેરી ટ્રમ્પને બાકાત રાખવામા આવ્યા હતા. પછી તો કોર્ટ-કેસ ચાલ્યો અને અમુકતમુક રકમ નક્કી કરીને સમાધાન કરવામાં આવ્યું. ડોનાલ્ડની સગી બહેન મેરીયાન ટ્રમ્પ બેરી તેને સિદ્ધાંતો વગરનો માણસ માને છે. તેના માટે ડોનાલ્ડ ફક્ત એક જોકર છે, જે પૈસા માટે કોઈ પણ હદ્દ સુધી જવા તૈયાર થઈ જાય છે. સ્વાર્થી, લાલચુ અને ભ્રષ્ટાચારી શબ્દો તેના માટે બંધ બેસે છે. તે એટલી હદ્દે લાગણીવિહીન છે કે, તેનો સગો ભાઈ એટલે કે મેરી ટ્રમ્પના પિતા ફ્રેડ ટ્રમ્પ મરણપથારી હતા ત્યારે એમને આખરી અલવિદા કહેવા પણ નહોતો આવ્યો.

જોકે, આની પાછળ મેરી ટ્રમ્પ પોતાના દાદાને જ વધુ જવાબદાર ઠેરવે છે. તે કહે છે કે, મારા દાદાની અસુરક્ષિતતાનો વારસો ડોનાલ્ડમાં ઉતર્યો છે. એમણે ક્યારેય મારી દાદીને જોઈએ એટલું સન્માન નથી આપ્યું. હંમેશા તેઓ સ્ત્રીને ફક્ત એક વસ્તુ સમજતા રહ્યા. સંતાનો ઉછેરવાની જવાબદારી એમની નથી, એવી ભ્રમણા હેઠળ જીવતા રહ્યા. દાદા વિશે એક પ્રસંગ ટાંકતા મેરી લખે છે, ‘મારા દાદી જ્યારે અવસાન પામ્યા, ત્યારે પણ દાદા પોતાના સંતાનોને સમય ન આપી શક્યા. એમની ઇચ્છા જ નહોતી.

અઠવાડિયાના તમામ દિવસો 12-12 કલાક બહાર રહેતા. કામ કરતાં. એમને એવું જ લાગતું કે છોકરા સાચવવાનું કામ તો ફક્ત સ્ત્રીનું છે!આ તમામ આપવીતીભર્યું પુસ્તક આપ્યા પછી વ્હાઇટ હાઉસના સ્પોક્સ પર્સનનું કહેવું છે કે મેરી ટ્રમ્પ દ્વારા ડોનાલ્ડની પ્રતિષ્ઠા ખરડાવવા માટે જ આ પુસ્તક લખવામાં આવ્યું છે. એની પાછળ ફક્ત આર્થિક સ્વાર્થ છુપાયેલો છે, બીજું કશું નહી.

Share Now