હવે આવકવેરા ‘તવાઈ’ શરૂ: નિયંત્રણો ઉઠાવાયા

263

મુંબઈ તા.14 : કોરોના લોકડાઉન તથા વેપારધંધા-અર્થતંત્રને પ્રચંડ ફટકા વચ્ચે આવકવેરા ખાતાએ પેન્ડીંગ કેસોમાં તોપ તાકવાનું શરૂ કર્યું છે.તમામ પેન્ડીંગ કેસો નિપટાવવા માટે ફેસલેસ સ્કીમ હેઠળ કરદાતાઓનો સંપર્ક કરવા કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડે અધિકારીઓને છુટ આપી છે.

કોરોના મહામારી અને લોકડાઉનને કારણે કરવેરાની કામગીરી અટકાવી દેવામાં આવી હતી તે હવે ફરી શરૂ કરવા કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ પરિપત્ર ઈસ્યુ કર્યો છે. અધિકારીઓને કરદાતાઓ સુધી પહોંચીને ફેસલેસ સ્કીમ હેઠળ ઈ-એસેસમેન્ટ શરૂ કરવા સુચવ્યું છે.દર સપ્તાહે 5000 એસેસમેન્ટ કેસો પૂર્ણ કરવાનો ટાર્ગેટ નકકી કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડે પરિપત્રમાં એવી પણ સુચના આપી છે કે વેપાર ધંધા ભાંગી ગયા હોવાના કારણોસર કરદાતાઓ સામે કોઈ આકરૂ વલણ નહિં અપનાવવા પણ જણાવવામાં આવ્યુ છે. નોટીસ ફટકારતી વેળાએ પણ વિવિધ પાસા ચકાસવા સુચવ્યુ છે.પરિપત્રમાં એમ જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારીને કારણે વેપાર ધંધા અર્થતંત્ર અનિશ્ર્ચિતતાનાં દોરમાંથી પસાર થઈ રહ્યું છે હવે આકારણી વર્ષ 2018-19 ના પેન્ડીંગ ઈ-એસેસમેન્ટ શરૂ કરી દેવામાં આવેલ છે.

પરિપત્રમાં એવી પણ માર્ગદર્શીકા આપવામાં આવી છે કે કોરોના લોકડાઉન વખતે અધવચ્ચે રોકી દેવામાં આવેલા કેસોને પ્રાથમીકતા આપે. આ પૂર્વે કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડે કોરોના મહામારીને ધ્યાને રાખીને કરદાતાઓ સામે કોઈ કાર્યવાહી નહિં કરવા સુચના આપી હતી તે હવે ઉઠાવી લીધી છે.

કરદાતાઓને રાહત: ઈ-રિટર્નનાં પેન્ડીંગ વેરીફીકેશન માટે મુદત
2015-16 થી 2019-20 ના પેન્ડીંગ વેરીફીકેશન 30 સપ્ટેમ્બર સુધી થઈ શકશે

ઈન્કમટેકસ રીટર્નનાં પેન્ડીંગ વેરીફીકેશન માટે આવકવેરા કરદાતાઓને મહત્વની રાહત આપી છે.ઈ-રીટર્ન ફાઈલ કર્યુ હોવા છતાં રીસીપ્ટ જમા ન કરાવનાર કરદાતાઓને એક તક આપવામાં આવી છે. 2015-16 થી 2019-20 ના રીટર્ન માટેની વેરીફીકેશન પ્રક્રિયા 30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની મુદત આપવામાં આવી છે.

કરદાતાઓ દ્વારા ડીજીટલ સહી વિના ઈ-રીટર્ન ફાઈલ કરી દીધા હોય તો તેને વેરીફીકેશન કરવા માટે આ મુદત આપવામાં આવી છે.કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડે પોતાના આદેશમાં એમ કહ્યું કે વેરીફીકેશનના વાંકે હજારો રીટર્ન પેન્ડીંગ છે.આ મામલે કરદાતાઓને એક તક આપવાનું નકકી કરવામાં આવ્યું છે જે અંતર્ગત જુદી જુદી પોતાને અનુકુળ રીતે કરદાતા 30 સપ્ટેમ્બર સુધીમાં વેરીફીકેશન કરાવી શકશે.જોકે આવકવેરા ખાતાએ કાર્યવાહી કરી હોય તેવા કેસોમાં આ રાહત લાગુ નહિં પડે.આ પેન્ડીંગ રિટર્નનાં માટે 31 ડીસેમ્બર સુધીનો સમય નિર્ધારીત ક્રવામાં આવ્યો છે.

Share Now