C.R પાટીલના પ્રથમ સ્વાગતમાં જ વિવાદ: સુરતમાં લાગેલા બેનરમાં નીતીન પટેલ સિવાયના ચહેરા પર કાળી શાહી

428

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા સી.આર.પાટીલ ગઈકાલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ અને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા સહિતના મહાનુભાવોને મળ્યા બાદ આજે તેમના વતન સુરતમાં પહોંચતા કોરોનાથી ઘેરાયેલા આ મહાનગરમાં તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે એક જબરી મોટર રેલી યોજી છે.પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત સુરત આવી રહ્યા છે અને તેથી તેમના એરપોર્ટથી ભાજપ કાર્યાલયના લાંબા માર્ગ પર ઠેરઠેર સ્વાગતના બેનર તથા તોરણ લગાવાયા હતા.

ભાજપે જાહેર કર્યુ છે કે સોશ્યલ ડીસ્ટન્સ,માસ્ક સહિતના તમામ કોરોના પ્રોટોકોલનું પાલન કરાશે પણ બીજી તરફ એક રસપ્રદ ઘટનામાં સુરતમાં પાટીદારોના વર્ચસ્વના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના પાટીદારો વસે છે તે વરાછા સહીતના વિસ્તારોમાં પણ પાટીલના સ્વાગત બેનર લાગ્યા છે.તેમાં વડાપ્રધાન મોદી,ગૃહમંત્રી અમીત શાહ,મુખ્યમંત્રી,વિજય રૂપાણી અને ખુદ પાટીલની તસ્વીરોમાં ફકત નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ સિવાયના તમામ ચહેરાઓ પર કાળી શાહી લગાડી દેવામાં આવી હતી.

વરાછા માર્ગ પર 20 જેટલા બેનરોમાં આ રીતે કાળી શાહી લગાડાઈ છે જેનાથી પાટીલનું પ્રદેશ પ્રમુખ બન્યા બાદનું પ્રથમ સ્વાગત જ વિવાદમાં ફસાયું છે અને પાટીદારોમાં હવે પાટીલ કઈ રીતે સ્વીકાર્ય હશે તે પ્રશ્ન પૂછાવા લાગ્યો છે.

Share Now