અમેરિકામાં રંગભેદ વિરુદ્ધ તોફાનો શમવાનું નામ લેતા નથી : 6 સ્ટેટમાં હિંસક તોફાનો ફરીથી ચાલુ

281

વોશિંગટન : અમેરિકામાં રંગભેદ વિરુદ્ધ તોફાનો શમવાનું નામ લેતા નથી.તાજેતરમાં 6 સ્ટેટમાં થયેલા તોફાનોએ હિંસક સ્વરૂપ પકડ્યું છે.જે મુજબ સિએટલમાં માર્ચ યોજી રહેલા લોકોની પોલીસ સાથે હિંસક અથડામણ થઇ હતી. અહીં દેખાવકારોની ભીડે એક ડિટેન્શન સેન્ટરને આગચંપી કરી હતી.

ટેક્સાસના ઓસ્ટિનમાં દેખાવ દરમિયાન પોલીસની ગોળી વાગતાં એક વ્યક્તિ મૃત્યુ પામી હતી. લોસ એન્જેલસમાં સંઘીય કોર્ટની બહાર મોડી રાત્રિ સુધી દેખાવ કરાયા હતા.વર્જિનિયાના રિચમંડમાં પોલીસે કેમિકલ સ્પ્રેનો છંટકાવ કરી ભીડને વેરવિખેર કરી હતી.કોલોરાડોના ઓરોરામાં લોકો હાઈવે પર ઊતરી આવ્યા હતા. કેન્ટુકીમાં પણ આવા જ દૃશ્યો જોવા મળ્યાં.

પોર્ટલેન્ડમાં સતત 60માં દિવસે દેખાવકારો એકઠાં થયા. તેમનો સાથે આપવા પૂર્વ સૈનિકો પણ પહોંચ્યા હતા.તમામ દેખાવો દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ નારાજગી જોવા મળી હતી.ટ્રમ્પે સ્થિતિને કાબૂમાં રાખવા ફેડરલ એજન્ટ્સની નિમણૂક કરી છે.આ લોકોએ સામાન્ય લોકોની સાથે મારપીટ કરી અને પેપર સ્પ્રેનો છંટકાવ કર્યો હતો. જેના લીધે દેખાવકારો ભડકી ગયા હતા.

આશરે બે હજાર લોકોની ભીડે કિંગ કાઉન્ટી જુવેનાઈલ ડિટેન્શન સેન્ટરને આગચંપી કરી હતી. તેની પાસે નિર્માણ સ્થળે ઊભેલા ટ્રકોને પણ આગચંપી કરાઈ હતી. પોલીસે અહીં સેંકડો લોકોની ધરપકડ કરી હતી.સિએટલ-પોર્ટલેન્ડના દેખાવોના સમર્થનમાં ન્યૂયોર્કમાં પણ લોકો માર્ગો પર ઊતર્યા.તેમની પોલીસ સાથે અથડામણ થઇ હતી.જાતિવાદી દેખાવો સાથે ન્યૂયોર્ક,ઓમાહા અને ઓકલેન્ડ જેવા શહેર દૂર હતા હવે તે પણ જોડાવા લાગ્યા છે.

Share Now