ગોરધન ઝડફિયા બાદ ગુજરાત ભાજપના આ નેતાને મારી નાંખવાની ધમકી મળી

363

રાજ્યમાં પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાની હત્યાના ષડ્યંત્રનો પર્દાફાશ થયા બાદ ભાજપના વધુ એક નેતાને જીવથી મારી નાખવાની ધમકી મળી છે.ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદમાં આવેલી વિનસ હોસ્પિટલમાં રોકાયેલા છોટા શકીલ ગેંગના ઈરફાન નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.ધરપકડ બાદ પોલીસે પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે,આ ઈસમ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાને મારવા માટે ગુજરાત આવ્યો હતો.જો કે,હાલ રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાની સુચના બાદ ગોરધન ઝડફિયાની સુરક્ષામાં તંત્ર દ્વારા વધારો કરી દેવામાં આવ્યો છે.

ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગોરધન ઝડફિયાની હત્યાનું ષડયંત્ર નિષ્ફળ કરવામાં આવ્યું છે.ત્યારે અમદાવાદના બીજા એક ભાજપના નેતાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.આ સમગ્ર મામલે ભાજપ નેતા દ્વારા અમદાવાદ શહેર પોલીસ કમિશનર,ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ બાબતે અરજી કરવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદના ભાજપના નરોડા વોર્ડના પૂર્વ પ્રમુખ કિરપાલસિંહ છાબડાને કોઈ અજાણ્યા ઇસમે ફોન કરીને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે-સાથે જ્યારે તેમની દીકરી સ્કૂલે જાય ત્યારે તેનું અપહરણ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી.ફોન પર દિકરીનું અપહરણ અને પોતાને જીવથી મારી નાખવાની ધમકી મળવાના કારણે કિરપાલસિંહ છાબડાએ સમગ્ર મામલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર,અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ બાબતે અરજી નોંધાવી છે.

કિરપાલસિંહ છાબડાએ તેની અરજીમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે,તેમને જીવથી મારી નાખવાની અને દીકરીના અપહરણ કરવાના જે ફોન આવી રહ્યા છે તે દિલ્હી, મુંબઈ અને દુબઈથી આવી રહ્યા છે.મહત્ત્વની વાત છે કે,કિરપાલ છાબડા વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ સાથે ખૂબ જ નજીકના સંબંધ ધરાવે છે.આ ઉપરાંત કિરપાલસિંહ છાબડા 2002ના નરોડા પાટિયા તોફાન કેસમાં નિર્દોષ છુટેલા છે.

આ ઉપરાંત ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્ર મામલે અમદાવાદ આવેલા શાર્પ શૂટરની ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે.તેની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે,ઈરફાન માત્ર રેકી કરવા માટે આવ્યો હતો અને ત્યારબાદ અન્ય એક શાર્પ શૂટર અમદાવાદ આવવાનો હતો.

Share Now