ઓલપાડમાં ખેડુતોને દેશી ગાય નિભાવ ખર્ચ માટે પ્રાકૃતિક કૃષિ કીટ યોજના હેઠળ મંજુરીપત્રોનું વિતરણ

285

ઓલપાડ : ખેડુતોની આવક બમણી કરવા રાજ્ય સરકારે સાત પગલાં ખેડુત કલ્યાણ યોજના અમલમાં મૂકી છે.જે અંતર્ગત ખેડુતો રાસાયણિક ખાતરનો ત્યાગ કરીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે ઓલપાડ ખાતે આયોજીત કાર્યક્રમમાં ઓલપાડ,કામરેજ અને ચોર્યાસી તાલુકાના દેશી ગાય આધારિત નિભાવ માટે ખેડુતોને પ્રાકૃતિક કૃષિ કીટસ વિતરણના મંજુરીપત્રો ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે એનાયત કરાયા હતા.

આ કાર્યક્રમમાં ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેડુતોનો ખેતી ખર્ચ ધટાડાની સાથે પર્યાવરણની સુરક્ષા, જતન અને સંવર્ધન થશે. જમીનનું સ્વાસ્થ્ય તથા ફળદ્રુપતામાં અનેક ગણો વધારો થશે અને આવક બમણી કરી શકાશે. તેમણે વધુ જણાવ્યું કે સરકારે ખેડૂતોને દેશી ગાય નિભાવ ખર્ચ યોજના, પ્રાકૃતિક કૃષિ કીટ યોજના, કિસાન પરિવહન યોજના,મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર સહિતની યોજનાઓનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેથી આવનારા સમયમાં ગુણવત્તાયુક્ત અને રસાયણમુક્ત ખેત પેદાશ , પૌષ્ટિક આહાર, જમીન અને પર્યાવરણ સુધારણા વગેરે જેવા જરૂરી અભિગમો માટે પ્રાકૃતિક કૃષિ એક ઉત્તમ વિકલ્પના રૂપમાં સામે આવી છે. જેથી તમારી પાસે ઉપલબ્ધ દેશી ગાયના નિભાવ ખર્ચ, અને દેશી ગાયના છાણ ગોમૂત્રમાંથી જીવામૃત બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ કીટ માટેની જોગવાઈ આ બે યોજનાઓ સાત પગલાં ખેડૂત કલ્યાણના ભાગરૂપે મુકવામાં આવી છે.આ કાર્યક્રમ દરિમયાન રાજયપાલ તથા મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ખેડુતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાની હિમાયત કરી હતી.આ કાર્યક્રમમાં ભાજપ સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ, તા.પ.પ્રમુખ જયાબેન પટેલ, ઉપપ્રમુખ દિપેશ પટેલ, તા.વિ.અધિકારી હિમાંશુ પટેલ,ખેતીવાડી અધિકારીઓ સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Share Now