બલુચિસ્તાનમાં પાકિસ્તાની લશ્કર પર હુમલો : 14નાં મોત

273

– આતંકવાદી હુમલો હોવાનો થયેલો આક્ષેપ

– પાકિસ્તાની લશ્કરે હુમલાના સમાચારને સમર્થન આપ્યું

કરાચી તા.16 ઓક્ટોબર : સાઉથ વેસ્ટ પ્રાંત બલુચિસ્તાનમાં અર્ધલશ્કરી દળોના ઓઇલ એન્ડ ગેસ કર્મચારીઓના કાફલા પર આતંકવાદી હુમલો થતાં સાત સૈનિકો સહિત કુલ 14નાં મોત નીપજ્યાં હતાં.ગુરૂવારે ગ્વાદર જિલ્લાના ઓરમારા શહેરમાં આ હુમલો થયો હતો.

પાકિસ્તાનના લશ્કર તથા બદનામ ગુપ્તચર સંસ્થા આઇએસઆઇએ આ હુમલાના સમાચારને સમર્થન આપ્યું હતું.સરકારી કંપની ઓઇલ એન્ડ ગેસ ડેવલપમેન્ટ કંપની લિમિટેડનો આ કાફલો હતો.

જો કે પાકિસ્તાની લશ્કરના પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે આતંકવાદીઓની પણ સારી એવી ખુવારી થઇ હતી.આ હુમલામાં ફ્રન્ટિયર કોરના સાત જવાનો અને સાત પ્રાઇવેટ સિક્યોરિટી સ્ટાફ ખુવાર થયો હતો.આ કાફલો બલુચિસ્તાન હબ કરાચી તટીય હાઇ વે પર આતંકવાદી હુમલાનો શિકાર બન્યો હતો.આતંકવાદીઓ નજીકના પહાડો પર છૂપાઇને આ કાફલાની વાટ જોઇ રહ્યા હતા.કાફલો એ તરફ આવતા તેમણે હુમલો કર્યો હતો.જો કે અર્ધ લશ્કરી દળોના વળતા ગોળીબારમાં આતંકવાદીઓને પણ સારું એવું સહન કરવું પડ્યું હતું.આ હુમલો કયા આતંકવાદી જૂથે કર્યો હતો એ સ્પષ્ટ થયું નહોતું.આ ટુકડી ગ્વાદરથી કરાચી તરફ પાછી ફરી રહી હતી.લશ્કરી પ્રવક્તાએ કહ્યું કે આ હુમલો દેખીતી રીતેજ પૂર્વયોજિત હતો.આતંકવાદીઓને પહેલેથી જાણ હતી કે તેલ અને ગેસ કર્મચારીઓની ટુકડી અહીંથી પસાર થશે.

Share Now