બાબા રામદેવને આગ્રાના વકીલોએ નોટિસ મોકલી

239

– હાથી રેસ્ક્યુ સેન્ટરના સંચાલકને પણ નોટિસ

– હાથી પર બેસીને યોગ શી રીતે કર્યા, એ તો ગુનો છે

નવી દિલ્હી તા.16 ઓક્ટોબર : યોગગુરૂ બાબા રામદેવ તકલીફમાં આવી પડ્યા જણાતું હતું.મથુરાના રમણ રેવતી આશ્રમ વિસ્તારમાં સાધુ-સંતોને યોગ શીખવવા બાબા હાથી પર બેઠા હતા એ વાતે આગ્રાના પાંચ વકીલોએ એમને કાનૂની નોટિસ મોકલી હતી.સોશ્યલ મિડિયા પર બાબા રામદેવની 22 સેકંડની વિડિયો ક્લીપ જોયા પછી વકીલો નારાજ થયા હતા અને પાંચ વકીલો નરેન્દ્ર શર્મા,રાજવીર સિંઘ,ગગન શર્મા,એસપી ભારદ્વાજ અને રાખી ચૌહાણે બાબા રામદેવને અને હાથી રેસ્ક્યુ સેન્ટરના સંચાલકને નોટિસ મોકલી હતી.આ નોટિસનો સંતોષકારક જવાબ નહીં મળે તો તમારી સામે કાયદેસર કેસ કરવામાં આવશે એવી ચેતવણી પણ આપવામાં આવી હતી.

આ વકીલોએ એવો આક્ષેપ કર્યો હતો કે બાબા રામદેવનાં યોગનાં આસનો લાખો લોકો કરે છે.બાબાએ હાથી પર બેસીને આસન કર્યા તેથી પશુ ક્રૂરતા (ક્રૂએલ્ટી ઓન એનિમલ્સ પ્રિવેન્શન) કાયદાનો ભંગ થયો હતો.તમારી સામે શા માટે કાયદેસર પગલાં ન લેવાં એવો સવાલ આ નોટિસમાં કરવામાં આવ્યો હતો.

અત્રે એ યાદ રહે કે બાબા હાથી પર બેસીને યોગનાં આસનો કરતા હતા ત્યારે હાથી પોતાના સ્થાનેથી થોડો હાલ્યો હતો એટલે બાબા પોતાનું બેલેન્સ ગુમાવીને ગબડી પડ્યા હતા. એ દ્રશ્ય નિહાળીને હજારો લોકોએ સ્મિત વેર્યું હતું.આ વકીલોએ ચુરમુરા સ્થિત હાથી રેસ્ક્યુ સેન્ટરના સંચાલકને પણ નોટિસ મોકલી હતી કે વર્લ્ડ વાઇલ્ડલાઇફ સંવર્ધન કાયદા હેઠળ તમારી સામે પગલાં કેમ ન લેવાં એ જણાવો.આ રીતે કોઇ મૂગા જીવનું જાહેર પ્રદર્શન કરી શકાય નહીં.હાથી પર યોગનાં આસનો કરાવીને તમે એનો વ્યાવસાયિક ઉપયોગ કર્યો છે.

Share Now