અમેરિકામાં ફરી કોરોનાનું તાંડવ : ૨૪ કલાકમાં ૭૦,૦૦૦થી વધુ કેસ

289

વોશિંગ્ટન તા. ૧૯ : દુનિયામાં કોરોના સંક્રમિતોનો આંકડો ૪ કરોડથી વધુ થયો છે.તેમાં અત્યાર સુધી ૨ કરોડ ૯૯ લાખ ૩૫ હજાર ૬૦૧ દર્દીઓ સ્વસ્થ થઈ ચૂકયા છે.જયારે,સંક્રમણથી અત્યાર સુધીમાં ૧૧.૧૫ લાખથી વધુ લોકોનાં મોત થયા છે.આ આંકડા worldometers.info ના અનુસાર છે.જોન હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર, અમેરિકામાં ૨૪ કલાકમાં ૭૨૦૦૦ નવા કેસ સામે આવ્યા છે.જુલાઈ પછી આ એક દિવસમાં સંક્રમણનો સૌથી મોટો આંકડો છે.એક દિવસ અગાઉ પણ ૬૮ હજાર કેસ મળ્યા હતા.રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી હવે માત્ર બે સપ્તાહ દૂર છે.એવામાં વધતા કેસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે.અમેરિકામાં વધુ ૯૦૦ લોકોના મોત થયા છે.

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર,અમેરિકામાં વર્મોંટ અને મિસૌરી માત્ર બે રાજય છે,જયાં ગત એક સપ્તાહમાં સંક્રમણના મળેલા કેસોમાં ૧૦%થી વધુ સુધારો થયો છે.આ દરમિયાન, કનેકિટકટ અને ફલોરિડામાં ૫૦ ટકા કે તેથી વધુ કેસ વધ્યા છે.અન્ય ૨૭ રાજયોમાં ૧૦%થી ૫૦% વચ્ચે વધ્યાં.

બોરિસ જોનસન સરકારે સંક્રમણને રોકવા માટે નવા પ્રતિબંધોનું એલાન કર્યું હતું.લંડનમાં તેની વિરુદ્ઘ શનિવારે વિરોધ પ્રદર્શન પણ શરૂ થઈ ગયા. જો કે, પોલીસના કહેવા પ્રમાણે દેખાવકારોની સંખ્યા ઘણી ઓછી હતી અને તેમાંથી મોટાભાગના નશામાં હતા.

સરકાર અગાઉ જ સ્પષ્ટ કરી ચૂકી છે કે યુરોપમાં બગડતી સ્થિતિને જોતા કડકાઈ સિવાય હવે કોઈ ઉપાય બચ્યો નથી.બ્રિટનના અનેક હિસ્સામાં રાતનો કફર્યૂ લગાવી દેવાયો છે.અહીં તમામ બાર,પબ અને રેસ્ટોરાં આગામી આદેશ સુધી બંધ કરી દેવાયા છે.

યુરોપીયન દેશોમાં સંક્રમણની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે.ફ્રાંસમાં તો પરેશાની અત્યંત વધુ છે.અહીં ત્રણ સપ્તાહમાં લગભગ ચાર લાખ નવા સંક્રમિત મળ્યા છે. સ્થિતિ એ છે કે હોસ્પિટલોમાં ૭૦ ટકા આઈસીયુ ફુલ છે.પ્રથમવાર જોવા મળ્યું છે કે યુવાનો પણ વાયરસની ઝપટમાં આવી રહ્યા છે.

પેરિસ સહિત દેશનાં ૯ મોટા શહેરોમાં રાતનો કફર્યૂ લગાવી દેવાયો છે.ચેક રિપબ્લિક,બેલ્જિયમ,જર્મની,ઈટાલી અને નેધરલેન્ડ્સમાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે. ઈટલી સરકારે સ્પષ્ટ કર્યું છે કે સ્થિતિને કાબુમાં લેવા માટે દરેક પ્રકારના ઉપાય કરવામાં આવશે. સરકારે લોકોનો પણ સહયોગ માગ્યો છે.

સ્લોવાકિયાની ન્યૂઝ એજન્સી ટીએએસઆરએ જણાવ્યું કે સ્લોવાકિયાના વડાપ્રધાન ઈગોર માટોવિકે દેશમાં ૧૦ વર્ષથી વધુ વયના તમામ લોકોનાં ટેસ્ટિંગ કરવાની ઘોષણા કરી છે.હાલમાં,સ્લોવાકિયામાં સંક્રમણના કેસોમાં વધારો થયો છે.તેને જોઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.માટોવિકના મતે કોરોનાને રોકવા માટેનો આ એકમાત્ર ઉપાય છે.માટોવિકે વચન આપ્યું છે કે જો માસ ટેસ્ટિંગ નહીં થાય તો તેઓ રાજીનામું આપશે.સ્લોવાકિયામાં કોરોનાના ૨૯૮૩૫ કેસો છે અને ૮૮ લોકોનાં મોત થયા છે.

ઈઝરાયેલમાં નેતન્યાહુ સરકાર માટે મુસીબત સર્જાઈ છે.સરકારે સંક્રમણ પર અંકુશ મેળવવા માટે દેશના કેટલાક હિસ્સામાં લોકડાઉન લગાવ્યું છે પણ લોકો તેનું પાલન કરવા તૈયાર નથી.મીડિયા રિપોર્ટ્સ અનુસાર,ઈઝરાયેલના અનેક શહેરોમાં લોકોએ લોકડાઉન વિરુદ્ઘ દેખાવો કર્યા.

આ લોકોનો આરોપ છે કે માર્ચ પછીથી તેમના જીવન પર ખરાબ અસર પડી છે.કેટલાક સામાજિક સંગઠનોએ કહ્યું છે કે સરકાર પોતાની નિષ્ફળતાનો દોષ દેશના લોકો પર ઢોળવા માગે છે.સરકારે દબાણમાં કેટલીક રાહત આપવાનો નિર્ણય કર્યો છે.કેટલાક ઉપાયોની ઘોષણા આજે કરવામાં આવી શકે છે.

Share Now