હિન્દુ જાગરણ મંચના કાર્યકરોએ તાજ મહાલમાં શિવપૂજા કરી

263

– ભગવા ઝંડા લઇને ઘુસી ગયા હતા

આગ્રા તા.27 ઓક્ટોબર 2020 મંગળવાર

આગ્રાના જગમશહૂર મુઘલ સ્થાપત્ય તાજ મહાલમાં પોતાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હિન્દુ જાગરણ મંચ શાખાના સભ્યો ગણાવતા કેટલાક લોકો ભગવા ઝંડા સાથે ઘુસી ગયા હતા અને ત્યાં ભગવાન શિવની પૂજા કરી હતી.

આ ઘટના રવિવારે દશેરાએ બની હતી. કાર્યકરોએ તાજમહાલના પ્રાંગણમાં ગંગાજળ પણ છાંટ્યું હતું. એની વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ હતી. અયોધ્યામાં રામ મંદિરના મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી હવે આવી વિવાદાસ્પદ ઘટનાઓ વધી ગઇ હતી.

કેટલાક લોકોએ ભગવાન કૃષ્ણના જન્મસ્થળ માટે કોર્ટમાં દાવો માંડ્યો હતો તો કેટલાક લોકો તાજમહાલને હિન્દુ મંદિર ગણાવવા માંડ્યા હતા.હિન્દુ જાગરણ મંચના આગ્રા એકમના અધ્યક્ષ ગૌરવ ઠાકુરે એવો દાવો કર્યો હતો કે અમે તો તાજ મહાલમાં છેલ્લા થોડા સમયમાં પાંચેક વાર શિવ પૂજા કરી હતી.સરકાર આ સ્મારક હિન્દુઓને સોંપી નહીં દે ત્યાં સુધી અમે સતત શિવપૂજા કરતાં રહીશું.

જોકે ભારતીય જનતા પક્ષે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ ઘટનાને વખોડી કાઢી હતી અને પોતાને હિન્દુ જાગરણ મંચના આગ્રા એકમના આ કાર્ય સાથે કશી લેવાદેવા નથી એવો દાવો કર્યો હતો.

Share Now