ચાલુ વર્ષે 39.14 લાખ કરદાતાઓને 1.27 લાખ કરોડનું રિફંડ ચુકવાયું

265

નવી દિલ્હી : આવકવેરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં ૩૯.૧૪ લાખ કરદાતાઓને કુલ ૧.૨૭ લાખ કરોડ રૃપિયા ટેક્સ રિફંડ પેટે ચૂકવ્યા છેતેમ નાણા સચિવ અજય ભૂષણ પાંડેએ એક નિવેદનમાં જણાવ્યું છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોવિડ-૧૯ને કારણે સર્જાયેલા કટોકટીના સમયમાં લોકો અને બિઝનેસને નાણા મળી રહે તે હેતુથી ઓેટોમેટેડ મોડ દ્વારા કરદાતાઓના બેંક ખાતાઓમાં રકમ જમા કરવામાં આવી છે.

તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં બિઝનેસને રોકડ તરલતા મળી રહે તે હેતુથી કરદાતાઓના બેંક ખાતાઓમાં ડાયરેક્ટ રકમ જમા કરવામાં આવી છે.

આઇટી ડિપાર્ટમેન્ટની સંપૂર્ણ ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા રિફંડ ચૂકવવામાં આવતું હોવાથી હવે આ પ્રક્રિયા ઝડપી બની છે. આ એક ઝડપી રિફંડ પેમેન્ટ સિસ્ટમ છે અને તે સંપૂર્ણ ઓટોમેટેડ અને પારદર્શક છે. કરદાતાઓના ખાતામાં ઝડપથી રિફંડ જમા થાય તે માટે આવકવેરા વિભાગે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(ડીબીટી)ની રચના કરી છે.

આવકવેરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ૩૯.૧૪ લાખ કરદાતાઓને ૧,૨૬,૯૦૯ કરોડ રૃપિયાનું રિફંડ ચૂકવ્યું છે.જે પૈકી ૩૪,૩૫૨ કરોડ રૃપિયા ૩૭.૨૨ લાખ વ્યકિતગત કરદાતાઓને ચૂકવવામાં આવ્યા છે.જ્યારે ૯૨,૩૭૬ કરોડ રૃપિયા ૧,૯૨,૪૦૯ કોર્પોરેટ ટેક્સ કેસોમાં ચૂકવવામાં આવ્યા છે.

પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે અમે દર સપ્તાહે ઝડપી રિફંડ સિસ્ટમની સમીક્ષા કરીએ છીએ અને પબ્લિક ડોમેઇનમાં રિફંડના આંકડા જાહેર કરીએ છીએ.જેના કારણે કરદાતાઓ અને આવકવેરા વિભાગ વચ્ચે વિશ્વાસ પેદા થાય છે.

ઉલ્લેખનીય છે કે કોરોના લોકડાઉનના સમયમાં વ્યકિતગત અને કોર્પોરેટ કરદાતાઓને રાહત આપવા માટે આવકવેરા વિભાગે આ અગાઉ આઠ એપ્રિલના રોજ પાંચ લાખ રૃપિયા સુધીનું વિલંબિત રિફંડ તાત્કાલિક ચૂકવવાનો નિર્ણય લીધો હતો.

અગાઉના વર્ષોમાં કરદાતાઓને રિફંડ મેળવવા માટે ઇન્કમ ટેક્સ ઓફીસના ધક્કા ખાવા પડતા હતાં. હવે એવું રહ્યું નથી રિફંડની રકમ તાત્કાલિક કરદાતાઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

Share Now