મલેરકોટલાથી સિંધુ બોર્ડર પર શીખ ખેડૂતોને જમાડે છે મુસ્લિમ બિરાદરી

267

નવી દિલ્હી તા. 11 ડિસેંબર : છેલ્લા દસ બાર દિવસથી દિલ્હીના સીમાડા પર ડેરો જમાવીને આંદોલન કરી રહેલા શીખોને સમયસર જમાડવા માટે મુસ્લિમો લંગર (રસોડું ) ચલાવી રહ્યા હતા.મુસ્લિમો અને શીખોનો ભાઇચારો શીખોના ગુરુ ગોવિંદ સિંઘના જમાનાથી ચાલતો આવ્યો હોવાનું ઇતિહાસમાં નોંધાયેલું છે.

હાલ ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં પણ શીખ-મુસ્લિમ ભાઇચારો નજરે પડ્યો હતો.વડીલો કહે છે કે 1947માં દેશના ભાગલા પડ્યા અને હજારો મુસ્લિમો પાકિસ્તાન તરફ રવાના થયા ત્યારે પણ પંજાબના મલેરકોટલા વિસ્તારના મુસ્લિમોએ ભારતમાં રહેવાનો નિર્ણય કર્યો અને કહ્યું કે અમને ગુરૂ ગોવિંદ સિંઘના આશીર્વાદ છે એટલે અમે અહીંથી ક્યાંય જવાના નથી.મલેરકોટલામાં ભાગલા ટાણે એક પણ બનાવ હિંસાનો કે હત્યાનો બન્યો નહોતો.

આજે એ મુસ્લિમ પરિવારોના નવી પેઢીના વારસદારો સિંધુ બોર્ડર પર આંદોલન કરી રહેલા પંજાબી ખેડૂતોને બે ટાઇમ સમયસર ભોજન પહોંચાડે છે.શીખો માટે આ મુસ્લમો ખાસ લંગર ચલાવી રહ્યા હતા.મલેરકોટલાથી સિંધુ બોર્ડર પર ખેડૂતોની સેવા કરવા આવેલા એક મુસ્લિમ બિરાદર મોબીન ફારુખ શીખો માટેના રસોડામાં સેવા આપી રહ્યા હતા.તેમણે કહ્યું કે ખેડૂતોના આંદોલનમાં આ રીતે અમે અમારું પ્રદાન કરી રહ્યા છીએ.ભલે અમારો પ્રયત્ન નાનો છે.પરંતુ આ રીતે અમે અમારા શીખ ભાઇબહેનોના આંદોલનમાં સહભાગી થઇ રહ્યા છીએ.

Share Now