
– માછલા અને તેનો ખોરાક નાંખતા તળાવનું પાણી બગડી રહ્યું છે
વલસાડ : વલસાડના માલવણ ગામે સ્થાનિક ગ્રામજનો માટે ઉપયોગી તળાવ મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા 5 વર્ષ માટે મત્સ્ય ઉછેર માટે લીઝ પર ફાળવવા મુદ્દે ગામમાં ભારે વિરોધ થઇ રહ્યો છે.આ મામલે ગ્રામજનોએ કલેકટર સમક્ષ વિરોધ ઉઠાવી ફાળવણી રદ કરવા દાદ માગી છે.વલસાડ તાલુકાના માલવણ ગામે માહ્યાવંશી અને કોળી સમાજના નાગરિકોના ઉપયોગ માટે મહત્વનો સ્ત્રોત ગણાતા તળાવને જિલ્લા મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા સરકારની પરવાનગી અને ગ્રામજનોની સમંતિ વિના જ મત્સ્ય ઉછેર માટે લીઝ પર ફાળવી દેવામાં આવ્યો છે.આ તળાવ ગ્રામજનો બાપદાદાના સમયથી કપડા ધોવા,પશુઓને પાણી પીવડાવવા માટે તથા પંખીઓ માટે પણ ખુબ ઉપયોગી રહ્યો છે.
તળાવને મત્સ્ય ઉછેર માટે ફાળવી દેવાતાં તેમાં માછલા અને ખોરાક નાંખતા તળાવનુ પાણી લીલું થઇ જતાં વાપરવાનું મુશ્કેલ બન્યું છે.આ મુદ્દે ગ્રામજનોએ જિલ્લા મત્સ્યોદ્યોગ કચેરીમાં વાંધો રજૂ કર્યો હતો.પરંતું કચેરી દ્વારા કોઇ પ્રતિસાદ ન મળતાં માલવણના ગ્રામજનોએે સોમવારે કલેકટર કચેરી પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.જેમાં માલવણના તળાવની મત્સ્ય ઉછેર માટેની પરવાનગી રદ કરવા માગ કરી હતી.ગ્રામજનોએ લેખિત આવેદન આપી આ મુદ્દે કોઇ નિરાકરણ નહિ કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી છે.અગાઉ પણ ઝીંગા તળાવના મુદ્દે વિવાદ ઉભો થયો હતો.ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદે ઝીંગા તળાવો પણ બનાવી દેવાય છે.
પાળના કૂવાનું પાણી પણ બગડી રહ્યું છે
માલવણના તળાવની પાળ ઉપર 1951થી ઉપયોગમાં લેવાતો કુવો આવેલો છે.જેનું પાણી ગ્રામજનો પીવા માટે કરે છે.ઉનાળામાં આ કુવા સિવાય કોઇ વિકલ્પ નથી.આ કુવાનું પાણી પણ બગડી રહ્યું છે.