ટીઆરપી સ્કેમમાં ફૂટ્યો નવો ફણગો, ‘અર્ણબે મને 12 હજાર ડૉલર્સ અને 40 લાખ રૂપિયા આપ્યા’, બાર્કના પાર્થો દાસગુપ્તાનો સનસનીખેજ દાવો

251

નવી દિલ્હી / મુંબઇ તા.25 જાન્યુઆરી : રિબપબ્લિક ટીવીના વડા તંત્રી અર્ણબ ગોસ્વામીએ મને 12 હજાર ડૉલર્સ અને 40 લાખ રૂપિયા આપ્યા હતા’ એવું બાર્કના ભૂતપૂર્વ વડા પાર્થો દાસગુપ્તાએ કબૂલ કર્યું હોવાનો દાવો મુંબઇ પોલીસે કર્યો હતો.

છેલ્લા થોડા સમયથી ટીઆરપી સ્કેમ દેશભરમાં ગાજ્યું હતું. વિવિધ ટીવી ચેનલ્સ પોતાના દર્શકોની સંખ્યા વધારવા કૌભાંડ આચરી રહી હોવાના આક્ષેપ મુંબઇ પોલીસે કર્યા હતા.એમાં પણ મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્ર રાજ્ય સરકારની બેફામ ટીકા કરી રહેલા રિપબ્લિક ટીવીના વડા તંત્રી અર્ણબ ગોસ્વામી પર મુંબઇ પોલીસે નિશાન તાક્યું હતું.

અત્યાર અગાઉ ગોસ્વામીની ધરપકડ પણ કરાઇ ચૂકી હતી અને એ થેાડા દિવસ જેલમાં પણ રહી આવ્યા હતા.અર્ણબ ગોસ્વામી અને બાર્કના ભૂતપૂર્વ વડા પાર્થો દાસગુપ્તા વચ્ચેની વ્હૉટ્સ એપ ચેટની વિગતો મળ્યા પછી મુંબઇ પોલીસ ઉત્સાહમાં આવી ગઇ હતી. આ ચેટમાં દેશહિતની કેટલીક અત્યંત ગુપ્ત વાતોની ચર્ચા ગોસ્વામી અને દાસગુપ્તા વચ્ચે થઇ હોવાનું જાણવા મળ્યું હતું.હવે મુંબઇ પોલીસે એવો દાવો કર્યો હતો કે દાસગુપ્તાએ ગોસ્વામીને કેટલીક માહિતી રોકડ વળતરના બદલામાં આપી હતી. દાસગુપ્તાએ મુંબઇ પોલીસને એમ કહ્યું હોવાનો પોલીસનો દાવો હતો કે અર્ણબ ગોસ્વામીએ મને 12 હજાર અમેરિકી ડૉલર્સ અને રૂપિયા 40 લાખ આ માહિતીના વળતર રૂપે આપ્યા હતા.

મુંબઇ પોલીસે 11મી જાન્યુઆરીએ 3600 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી હતી જેમાં બાર્ક ફોરેન્સિક ઓડિટ રિપોર્ટની વિગતો પણ સામેલ કરાઇ હતી.બાર્કના ભૂતપૂર્વ વડાએ એવું કહ્યાનો પોલીસનેા દાવો હતો કે કેટલીક સંવેદનશીલ માહિતી આપવા માટે અર્ણબ ગોસ્વામીએ મને 12 હજાર ડૉલર્સ અને 40 લાખ રૂપિયા આપ્યા હતા. જો કે કોર્ટમાં આ વાત મુંબઇ પોલીસે પુરવાર કરી આપવી પડશે.જો પોલીસ આ વાત પુરવાર કરી શકે તો અર્ણબની ટીવી પત્રકાર તરીકેની કારકિર્દીનો અંત આવી જશે એમ કહી શકાય.

મુંબઇ પોલીસે ફાઇલ કરેલી ચાર્જશીટમાં બાર્કના ભૂતપૂર્વ કર્મચારીઓ તેમજ કેબલ ઓપરેટર્સ સહિત કુલ 59 વ્યક્તિનાં નિવેદનો રજૂ કરાયાં હતાં.બાર્કના ફોરેન્સિક ઓડિટ રિપોર્ટમાં વિવિધ ટીવી ચેનલ્સ દ્વારા ટીઆરપી વધારવા આચરવામાં આવતા કૌભાંડની વિગતોનો પણ સમાવેશ થયો હતો.ગયા વર્ષના નવેંબરમાં પહેલીવાર આ કૌભાંડની વિગતો બહાર પડી ત્યારે રિપબ્લિક ટીવી,આજ તક અને ટાઇમ્સ નાઉની સામે શંકાની સોય તકાઇ હતી.પાછળથી રિપબ્લિક ટીવી કેન્દ્રમાં આવી ગયું હતું.

Share Now