નવી દિલ્હી તા.27 : દિલ્હીમાં ખેડુતોની ટ્રેકટર પરેડ દરમ્યાન હિંસા ફાટી નીકળી હતી તેને લઈને ભાજપના જ સીનીયર નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ખળભળાટ સર્જતુ ટવીટ કરીને વડાપ્રધાન કાર્યાલયના સીનીયર વર્ગ સાથે સંકળાયેલ ભાજપ નેતા સામે આંગળી ચીંધી છે.આ પ્રકારની ચર્ચા અફવા છે પરંતુ તેની ઝીણવટભરી ચકાસણી કરવાની માંગ કરી છે.સુબ્રમણ્યમ સ્વામીના ટવીટે ખળભળાટ સર્જયો છે અને રાજકીય વિવાદ પણ ઉભો થવાની પણ આશંકા છે.ટવીટમાં તેઓએ એમ કહ્યું છે કે ચર્ચા છે- કદાચ ખોટી પણ હોઈ શકે- કે વડાપ્રધાન કાર્યાલયમાં ઉચ્ચસ્થાને બીરાજતી વ્યક્તિ સાથે ધરોબો ધરાવતા ભાજપના એક સભ્યએ લાલકિલ્લા હિંસામાં ઉશ્કેરાટ સર્જવા એજન્ટ તરીકે કામ કર્યુ હતું.આ બાબતની તપાસ કરીને જાણ કરવાની માંગ કરી છે. દિલ્હી હિંસામાં કોનો દોરીસંચાર હતો તે વિશે અનેકવિધ અટકળો પ્રવર્તી રહી જ છે.ખેડૂત આંદોલન બે માસથી ચાલતુ હતું અને શાંતિપૂર્ણ જ રહ્યું હતું ત્યારે એકાએક પલિતો કેવી રીતે અને કોણે ચાખ્યો તે વિશે સવાલ ઉઠવા લાગ્યા જ હતા તેવા સમયે ભાજપના નેતાના ટવીટથી રાજકીય ખળભળાટ સર્જાયો છે.