FDIના નિયમ ભંગ બદલ EDએ એમેઝોન વિરૃદ્ધ કેસ દાખલ કર્યો

308

નવી દિલ્હી : વિદેશી ઇ-કોમર્સ કંપની એમેઝોનનો ફ્યૂચર રિટેલ સાથે વિવાદ ચાલી રહ્યો છે અને એવા સમયે આ કંપની વિદેશી મૂડીરોકાણ સંબંધિત નિયમોના ઉલ્લંઘનના ગુનામાં ફસાઇ ગઇ છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એમેઝોનની વિરુદ્ધ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્સ (FEMA) હેઠળ કેસ દાખલ કર્યો છે.ફ્યૂચર રિટેલની સાથે સોદામાં વિદેશી મૂડીરોકાણના નિયમોના ઉલ્લંઘનમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

વાણિજ્ય મંત્રાલયે EDને એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઇ-કોમર્સ કંપનીઓ વિરુદ્ધ FDIના નિયમોનું કથિત ઉલ્લંઘનની તપાસસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.ત્યારબાદથી જ EDએ એમેઝોનની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.તાજેતરમાં જ દિલ્હી હાઇકોર્ટે પણ ફ્યૂચર રિટેલ ડીલમાં એમેઝોન તરફથી વિદેશી મૂડીરોકાણના નિયમ ભંગની આશંકા વ્યક્ત કરી હતી.

દિલ્હી હાઇકોર્ટે ફ્યૂચર રિટેલ વિવાદમાં કહ્યુ હતુ કે એમેઝોન અનલિસ્ટેડ યુનિટની સાથે થયેલ સમજૂતીના આધારે ભારતીય કંપની પર અંકુશ મેળવવા ઇચ્છે છે.એવામાં એમેઝોનની વિરુદ્ધ FEMA અને FDI કાયદાના ઉલ્લંઘનની તપાસ થવી જોઇએ.ઓગસ્ટ 2019માં એમેઝોને ફ્યૂચર કૂપંસમાં 49 ટકા હિસ્સેદારી ખરીદી હતી.તેની માટે એમેઝોને 1500 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી.આ ડીલમાં શરત હતી કે એમેઝોનને ત્રણથી 10 વર્ષની મુદ્દત બાદ ફ્યૂચર રિટેલ લિમિટેડની હિસ્સેદારી ખરીદવાનો અધિકાર મળશે.સાથે જ ફ્યૂચર રિટેલની હિસ્સેદારી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ન વેચવાની શરતે પણ હતી. આ દરમિયાન કિશોર બિયાનીએ ફ્યૂચર ગ્રૂપના રિટેલ સ્ટોર,હોલસેલ અને લોજિસ્ટિક્સ બિઝનેસને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને વેચવાની ડીલ કરી.તેની વિરુદ્ધ એમેઝોનને અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી.

ઉલ્લેખનિય છે કે,તાજેતરમાં ભારતીય શેરબજાર નિયામક સેબીએ રિલાયન્સ અને ફ્યૂચર ગ્રૂપ વચ્ચેની ડીલને મંજૂરી આપી દીધી છે.રિલાયન્સ અને ફ્યૂચર ગ્રૂપની વચ્ચે ઓગસ્ટ 2020માં 24,713 કરોડ રૂપિયાની ડીલ થઇ હતી.આ ડીલ હેઠળ ફ્યૂચર ગ્રૂપનો રિટેલ,હોલસેલ અને લોજિસ્ટિક્સ બિઝનેસ રિલાયન્સ વેન્ચર્સ લિમિટેડને વેચવામાં આવશે. આ ડીલનો વિદેશી ઇ-કોમર્સ કંપની એમેઝોને વિરોધ કર્યો છે.

Share Now