ચાંદીમાં તોફાની વધઘટઃ~3,000 તૂટ્યા સોનું વધુ~400 ઘટીને~50,300

236

ચાંદીના ભાવ વૈશ્વિક બજારમાં 8 વર્ષની ઊંચી સપાટીએથી નીચે આવતા તેની વિપરીત અસર સ્થાનિક માર્કેટમાં પણ જોવાઈ હતી અને સોમવારે જોવાયેલો ઊછાળો પચાવાતો હતો.અમદાવાદ ખાતે ચાંદી~3,000 ઘટીને~70,000 બંધ રહી હતી તો સોનું વધુ ~400 ઘટીને~50,300 રહ્યું હતું.જાહેર થયેલા બજેટમાં સોના અને ચાંદી પરની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવામાં આવતા તેની અસર પણ રહી હતી.સરકાર દ્વારા કસ્ટમ ડ્યૂટી 12.5 ટકાથી ઘટાડીને 7.5 ટકા કરાઈ હતી.જોકે,તેના પર સેસ લાદવામાં આવતા ઇફેક્ટીવ ડ્યૂટી 10.75 ટકા જેવી થતી હોવાનું સ્થાનિક વેપારીઓનું કહેવુ હતું.

વૈશ્વિક સ્તરે સોના અને ચાંદીના ભાવમાં પીછેહઠ જોવાઈ હતી.અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા વધુ એક રાહતના પેકેજની સંભાવના વ્યકત કરવામાં આવતા અને ભારતે કસ્ટમ ડ્યૂટીને ઘટાડતા તેની અસર રહી હતી.ભારત વિશ્વમાં સોનાનો વપરાશ કરતો બીજો મોટો દેશ રહ્યો છે.વૈશ્વિક સોનામાં સોમવારનો સુધારો ધોવાઈ ગયો હતો અને ભાવ 18 ડોલર ઘટીને 1,844 ડોલરની સપાટીએ મૂકાતા હતા.જ્યારે ચાંદી ગઈ કાલે ઇન્ટ્રા ડેમાં 30 ડોલરની 8 વર્ષની ઊંચી સપાટીએથી ઝડપથી નીચે આવીને 26.70 ડોલર ક્વોટ થતી હતી જે આગલા દિવસની સામે 1.85 ડોલર ઘટી હતી.મોડી સાંજે વાયદામાં સોનું ~405 અને ચાંદી~3,540 ઘટીને ટ્રેડ થતાં હતા.

સોલાર પેનલ,ઇલેક્ટ્રીક બેટરી સહિત અનેક ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટમાં ચાંદીનો વપરાશ વધ્યો હોવાથી તેમાં નીચા મથાળે માગ રહેશે એમ જણાવીને કોમટ્રેડના બુલિયન એનાલિસ્ટ રાકેશ શાહનું કહેવું હતું કે,ચાંદીમાં નજીકમાં 25 ડોલર સપોર્ટ લેવલ છે અને હવે 30 ડોલરની સપાટી પ્રતિકારક બનશે.સ્થાનિકમાં પણ ભાવ અગાઉની ટોચ ~75,000ને કુદાવવામાં નિષ્ફળ ગયા હોવાથી તે લેવલ પ્રતિકારક ગણાશે.વાયદામાં ચાંદીમાં છેલ્લા એક સપ્તાહમાં 10 ટકા જેવી મોટી વધઘટ જોવાઈ હતી.

Share Now