USનું યુદ્ધ જહાજ મંજૂરી વગર ભારતીય જળસીમામાં પેટ્રોલિંગ કરી ગયું

241

– નેવી શિપે લક્ષદ્વીપ ટાપુથી લગભગ 130 નોટિકલ માઇલ્સ દૂર પેટ્રોલિંગ કર્યું

નવી દિલ્હી : ભારતના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ)માં અમેરિકન નેવીની શિપ દ્વારા સ્વતંત્ર નેવિગેશન કામગીરી અંગે કેન્દ્ર સરકારે શુક્રવારે ચિંતા વ્યક્ત કરી છે.વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘પર્શિયન અખાતથી મલાક્કા સ્ટ્રેટ્સ તરફ જઈ રહેલી અમેરિકન નેવી શિપ જ્હોન પૌલ જોન્સ પર ચાંપતી નજર રાખવામાં આવી હતી.’

ઉલ્લેખનીય છે કે, અમેરિકન નેવીએ એક અસાધારણ પગલાના ભાગરૂપે જાહેર કર્યું હતું કે, તેના એક જહાજે ચાલુ સપ્તાહે ભારતની સંમતિ વગર તેના EEZમાં પેટ્રોલિંગ કર્યું હતું.આ નિવેદન પછી ભારતીય વિદેશ મંત્રાલયે સરકારનો મત સ્પષ્ટ કર્યો હતો અને અમેરિકાના પગલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ‘અમેરિકન યુદ્ધ જહાજ જ્હોન પૌલ જોન્સ પર સતત નજર રાખવામાં આવી હતી.તે પર્શિયન અખાતમાંથી મલાક્કા સ્ટ્રેટ્સ તરફ વળ્યું હતું.અમે રાજદ્વારી માધ્યમો દ્વારા અમેરિકાની સરકારના અમારા EEZમાંથી સંમતિ વગર પસાર થવા બાબતે અમારી ચિંતા દર્શાવી છે.’

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ‘સમુદ્રના કાયદા અંગે સંયુક્ત રાષ્ટ્ર કન્વેશન મુજબ ભારત અન્ય દેશોને તેની સંમતિ વગર સમુદ્રમાં લશ્કરી કવાયત કે તેના EEZમાં નેવિગેશનનો અધિકાર આપતું નથી. ખાસ કરીને હથિયારો કે વિસ્ફોટકોનો ઉપયોગ કરતા દેશોને ભારત આવી મંજૂરી આપતું નથી.’

અમેરિકન નેવીએ એક નિવેદનમાં જાહેર કર્યું હતું કે, ભારતની આગોતરી સંમતિ વગર તેના EEZમાં પેટ્રોલિંગ અમેરિકાના નેવિગેશનલ અધિકાર અને સ્વતંત્રતા હેઠળ આવે છે.અમેરિકન નેવીએ ૭ એપ્રિલે જણાવ્યું હતું કે, ‘નેવિગેશનના અધિકારમાં આ હક,સ્વતંત્રતા અને સમુદ્રના કાયદેસર ઉપયોગનો સમાવેશ થાય છે.

Share Now