લક્ષ્યદ્વિપ યુનિટના ભાજપના વડાએ પણ વહિવટદાર પ્રફુલ પટેલનો વિરોધ કર્યો

260

– વિપક્ષો પણ પ્રફુલ પટેલને દૂર કરવા માગ કરી રહ્યા છે
– કોવિડ-19ની ગાઈડલાઈનમાં ફેરફારો,બીફ બૅન,દારૂબંધી હટાવવા સહિતના નિર્ણયોને કારણે પ્રફુલ પટેલ વિવાદમાં સપડાયા

નવી દિલ્હી : લક્ષ્યદ્વિપના વહિવટદાર પ્રફુલ પટેલે છેલ્લા એક સપ્તાહમાં કોવિડ-19ની ગાઈડલાઈનમા ફેરફારોની સાથે સાથે બીફ બૅન,દારૂબંધી હટાવવા,સરકારી નોકરીઓમાં કેઝ્યુઅલ અને કોન્ટ્રાક્ટ્ર લેબરને દૂર કરવા સહિતના વિવાદિત નિર્ણયો લીધા હતા,જેના કારણે વિપક્ષો તેમજ સેલિબ્રિટિસ તેમને દૂર કરવાની માંગણી કરી રહ્યા છે.

હવે ભાજપના લક્ષ્યદ્વિપ યુનિટના વડા મોહમ્મદ કાસીમ પણ પ્રફુલ પટેલના વિરોધમાં જોડાયા છે.કાસીમે જણાવ્યું હતુ કે, આટલા મોટાપાયે ફેરફારો કરતાં પહેલા લોકોને વિશ્વાસમાં લેવાની જરૂર છે.દ્વિપ પર રહેલા લોકોની ફેરફારો સામેની કેટલીક ફરિયાદો સાચી છે.કોઈ ફેરફાર કરતા પહેલા લોકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની સલાહ લેવી જોઈએ.મેં આ અંગે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે.દરમિયાનમાં લક્ષ્યદ્વિપના ભાજપના યુનિટના અન્ય એક નેતાએ જણાવ્યું કે, તેમના આ પ્રકારના નિવેદનની મને જાણ નથી.કદાચ ખોટી માહિતીથી દોરવાઈને તેમણે આવું કહ્યું હોઈ શકે.

દરમિયાનમાં દિલ્હીમાં કોંગ્રેસે લક્ષ્યદ્વિપના વહિવટદાર પ્રફુલ પટેલને પાછા બોલાવવાની માગ કરી હતી.નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીના ચીફ શરદ પવારે પણ આ મામલે વડાપ્રધાન મોદીને પત્ર લખીને પ્રફુલ પટેલને બદલે લક્ષ્યદ્વિપમાં નવા વહિવટદારને મૂકવા માગ કરી છે.તમિલ અભિનેતા તેમજ સેલિબ્રિટીસે સોશિયલ મિડિયામાં નારાજગી દર્શાવતા વિરોધ વ્યક્ત કર્યો હતો.

Share Now