ફ્રી વેક્સીનેસનની જાહેરાત વચ્ચે દિલ્હીવાસીની આગ્રા-મેરઠ સુધી દોટ

244

નવી દિલ્હી : નવી દિલ્હી અને એનસીઆરમાં કોવિડ-૧૯ રસીના ડોઝને બુક કરાવવા માટે સંઘર્ષ કરી રહેલા ૧૮થી ૪૪ વર્ષના નાગરિકો છેક ઉત્તરપ્રદેશમાં આગ્રા અને મેરઠ સુધી જાય છે.આવી જ સ્થિતિ દેશના બીજા શહેરોની પણ છે.

આગ્રા અને દિલ્હી વચ્ચે ઓછામાં ઓછું અંતર ૨૨૪ કિ.મી. અને વધુમાં વધુ ૨૩૨ કિ.મી. છે.આગ્રામાં મૂળચંદ મેડસિટીએ ચાર દિવસ પહેલા જ ૧૮થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ શરુ કર્યુ છે.તેણે ૪૫૦ લોકોનું રસીકરણ કરી દીધું છે.તેના ૪૦ ટકા લાભાન્વિતો દિલ્હી,ગુરગાંવ,નોઇડા,મેરઠ,ઇટાવાહ અને મથુરાથી આવે છે.

મૂળચંદ મેડસિટીના મેડિકલ ડિરેક્ટર વિભુ તલવારે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ની બીજી ખતરનાક લહેરના પગલે લોકોને હવે રસીનું મહત્ત્વ સમજાયું છે.તેઓ તેના માટે ૨૫૦ કિલોમીટર સુધીનો પ્રવાસ ખેડવા પણ તૈયાર છે.તેમણે જણાવ્યું હતું કે લોકો મણિપુરી, અલીગઢ,ઇટાવાહ,મથુરા,દિલ્હી,મેરઠ,ગુરગાંવ,નોઇડા સહિતના સ્થળોએથી આવી રહ્યા છે.આ બતાવે છે કે લોકો કોવિડને કેટલા ગંભીરતાપૂર્વક લઈ રહ્યા છે.

તલવારે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં રસી લેવા આવનારા ૪૦થી ૫૦ ટકા લોકો શહેરની બહારના છે. ૩૫ વર્ષની પ્રીતિ ડુંગરિયાલ તેના પતિ સાથે સોમવારે નોઇડાથી આગ્રા કોવેક્સિનના બીજા ડોઝ માટે આવી હતી.તેણે કહ્યું હતું કે અમે કોવેક્સિનનો પહેલો ડોઝ ૮મી મેના રોજ લીધો હતો.અમે બીજા ડોઝ માટે છેલ્લા ત્રણથી ચાર દિવસથી પ્રયત્ન કરી રહ્યા છીએ,પરંતુ અમને નિષ્ફળતા મળી.અમને જ્યારે ખબર પડી કે આગ્રામાં સ્લોટ ઉપલબ્ધ છે તો અમે ડ્રાઇવ કરી અહીં આવી ગયા.દિલ્હીના રાજૌરી ગાર્ડનનો રહેવાસી ૩૨ વર્ષનો પુલકિત ગુપ્તા પણ તેની પત્ની સાથે બીજો ડોઝ લેવા આગ્રા આવ્યો હતો.

Share Now