ક્લાઉડ સર્વિસ ખોટકાતાં વિશ્વભરમાં ન્યૂઝ અને સરકારી વેબસાઇટો ખોરવાઈ

253

નવી દિલ્હી : અમેરિકા સ્થિત ક્લાઉડ કમ્પ્યૂટિંગ સેવાઓ આપતી કંપની ફાસ્ટલી ખાતે ખામી સર્જાતાં મંગળવારે ન્યૂયોર્ક ટાઇમ્સ,ફાઇનાન્સિયલ ટાઇમ્સ,ગાર્ડિયન,સીએનએન, બીબીસી,વોક્સ સહિતની મોટી ન્યૂઝવેબસાઇટ,સરકારી વેબસાઇટો અને સોશિયલ મીડિયાની સેવાઓ ખોરવાઇ ગઇ હતી.ક્લાઉડ સર્વિસ ઉપલબ્ધ કરાવતી સાન ફ્રાન્સિસ્કો સ્થિત કંપની ફાસ્ટલી અચાનક ક્રેશ થતાં એમેઝોન,રેડિટ,ટ્વિચ અને બ્રિટિશ સરકારની વેબસાઇટો પણ ખોટકાઇ ગઇ હતી.જીએમટી સમયાનુસાર સવારના ૧૦.૦૦ કલાકે ફાસ્ટલીએ અનુમોદન આપ્યું હતું કે,તેની સેવાઓમાં ખામી સર્જાઇ છે.તેની વેબસાઇટ પર થઇ રહેલા રિપીટેડ અપડેટની કંપની તપાસ કરી રહી છે.વેબસાઇટ પર દર્શાવવામાં આવ્યું હતું કે ફાસ્ટલીના દાયરામાં આવતા તમામ વિસ્તારોમાં વેબસાઇટો ખોરવાઇ ગઇ હતી.થોડા સમય બાદ ફાસ્ટલીએ તેની વેબસાઇટ પર પોસ્ટ મૂકી હતી કે અમે ખામી શોધીને સુધારી લીધી છે.વૈશ્વિક સેવાઓ ફરી શરૂ થઇ હોવાથી હવે અમારા ગ્રાહકોની વેબસાઇટો ફરી કામ કરતી થઇ જશે.

ધ ગાર્ડિયનના યુકે ટેકનોલોજી એડિટર એલેક્સ હર્ને જણાવ્યું હતું કે, ફાસ્ટલી દ્વારા સંચાલિત કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક નિષ્ફળ જવાના કારણે ગાર્ડિયન, http://Gov.uk, એમેઝોન, રેડિટ સહિતની સંખ્યાબંધ વેબસાઇટને અસર થઇ છે અને વ્યાપક ઇન્ટરનેટ અંધાધૂંધી ફેલાઇ છે.જ્યારે યૂઝર્સે આ સાઇટ્સ ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે ૫૦૩ error મેસેજ આવી રહ્યો હતો.જ્યારે કોઇ સર્વર યૂઝરની રિક્વેસ્ટ સ્વીકારવા તૈયાર ન હોય ત્યારે આ પ્રકારની એરર જોવા મળે છે.સર્વરનું મેન્ટેનન્સ ચાલતું હોય અથવા તો ઓવરલોડ થઇ જાય ત્યારે આ પ્રકારની એરર સર્જાતી હોય છે.

જોકે બ્લૂમબર્ગ,રોઇટર્સ,એસોસિએટે.ડ પ્રેસ,સહિતની ફોરેન વાયર સેવાઓની વેબસાઇટ પર આ ખામીની કોઇ અસર દેખાઇ નહોતી.વોશિંગ્ટન પોસ્ટ,વોલ સ્ટ્રીટ જર્નલ,ટાઇમ મેગેઝિન જેવી મીડિયા વેબસાઇટો સરળતાથી કામ કરી રહી હતી.

Share Now