વૃદ્ધ મુસલમાનને માર મારવાના વિડીયો પર વિવાદ, સ્વરા ભાસ્કર અને ટ્વિટર ઇન્ડિયાના MD વિરુદ્ધ ફરિયાદ

351

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં વૃદ્ધની સાથે થયેલી મારઝૂડના એક વિડીયોને લઇને વિવાદ ચાલી રહ્યો છે.હવે રાજધાની દિલ્હીમાં આ વિવાદને લઇને બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર,પત્રકાર આરફા ખાનમ શેરવાની,આસિફ ખાન અને ટ્વિટર ઇન્ડિયાના મનીષ મહેશ્વરી સહિત અન્ય લોકોની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.આ ફરિયાદ દિલ્હીના તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.આરોપ છે કે ગાઝિયાબાદમાં વૃદ્ધ સાથે થયેલી મારઝૂડના મામલે આ તમામે ભડકાઉ ટ્વીટ કર્યા હતા.

વિડીયોમાં વૃદ્ધ મુસલમાને પોતાની સાથે થયેલી ઘટના જણાવી

એડવોકેટ અમિત આચાર્ય દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી નથી,પરંતુ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.આ પહેલા ઉત્તર પ્રદેશ પોલીસે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરવાના મામલે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર,એક સમાચાર પોર્ટલ અને 6 લોકોની વિરુદ્ધ કેસ નોંધ્યો છે.આ વિડીયોમાં એક વૃદ્ધ મુસલમાન ગાઝિયાબાદમાં કેટલાક લોકોના કથિત હુમલા વિશે પોતાની વ્યથા સંભાળવતો જોવા મળી રહ્યો છે.

સાંપ્રદાયિક અશાંતિ ભડકાવવા વિડીયો શેર કર્યાનો આરોપ

મળતી માહિતી પ્રમાણે ગાઝિયાબાદના લોની બૉર્ડર પોલીસ સ્ટેશનમાં એક સ્થાનિક પોલીસ કર્મચારીએ ફરિયાદ નોંધાવી અને તેના આધાર પર મંગળવાર રાત્રે લગભગ 11.30 વાગ્યે એફઆઈઆર નોંધવામાં આવી.આમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે વિડીયોને સાંપ્રદાયિક અશાંતિ ભડકાવવાના ઇરાદે શેર કરવામાં આવ્યો હતો.પોલીસે ક્લિપ શેર કરવાને લઇને ટ્વિટર ઇંક,ટ્વિટર કૉમ્યુનિકેશન ઇન્ડિયા,સમાચાર વેબસાઇટ ધ વાયર,પત્રકારો મોહમ્મદ ઝુબેર અને રાણા અય્યુબ,કૉંગ્રેસ નેતાઓ સલમાન નિઝામી,મશ્કૂર ઉસ્માની,ડૉ. શર્મા મોહમ્મદ અને લેખિકા સબા નકવી વિરુદ્ધ FIR નોંધી છે.

Share Now