સુરત શહેરમાં 400 કરતા વધુ AAPના ઝાડુવાળા કાર્યકર્તાઓએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો : ભાજપે કહ્યું આમ આદમી પાર્ટી બિલાડીના ટોપ જેવી !

245

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે.સામાજિક અગ્રણી રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે તેવામાં સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે.સુરતમાં 400 કરતા પણ વધારે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે.સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં નિરંજન ઝાંઝમેરા,યુવા ભાજપ અધ્યક્ષ પ્રશાંત કોરાટ સહિતના ભાજપના નેતાઓની હાજરીમાં AAPના કાર્યકર્તાઓએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે.મહત્ત્વની વાત છે કે, ભાજપના યુવા અધ્યક્ષ બન્યા બાદ પ્રશાંત કોરાટનો સુરતમાં આ મોટો કાર્યક્રમ કહી શકાય.વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલા જ ભાજપે પોતાના પ્રયાસો શરૂ કર્યા હોય તેવું લાગી રહ્યું છે.

આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 3ના ઉપપ્રમુખ શૈલેશ ગજેરા અને તેમના કાર્યકર્તાએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.આમ આદમી પાર્ટીમાં અવગણના થતી હોવાના આક્ષેપ સાથે તેઓ ભાજપમાં જોડાયા છે.ભાજપ પ્રદેશ ભાજપના યુવા અધ્યક્ષના હસ્તે 400 જેટલા AAPના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 3ના વોર્ડ ઉપપ્રમુખ શૈલેશ ગજેરાએ આ બાબતે જણાવ્યું હતું કે, હું આમ આદમી પાર્ટીનો ઉપપ્રમુખ હતો.પાર્ટીમાં મેં મારા કાર્યકર્તાઓ સાથે ખૂબ સારું કામ કર્યું છે.પાર્ટી જીત્યા પછી અમે ઘણા કામ લઇને ગયા પણ અમારા કોઈ પણ કામ થયા નથી. છેલ્લી અમને લોકોને કાર્યકર્તા ગ્રુપમાંથી પણ કાઢવામાં આવ્યા.

અમે આ બાબતે કોર્પોરેટરોને પૂછ્યું ત્યારે ત્યારે કહ્યું કે, તમે સક્રિય નથી. ગોપાલ ઈટાલીયા,મનીષ સિસોદિયા,ઈશુદાન ગઢવી આવ્યા ત્યારે તેમની સાથે ઉભા રહીને અમે કામ કર્યું છે.છતાં પણ કહે છે કે, તેમાં સક્રિય નથી.અમે સક્રિયતા બાબતે પૂછ્યું ત્યારે કહ્યું કે, એ અમને ખબર નથી અમને ઉપરથી પાર્ટીએ કહ્યું છે. અમને કોઈ સાંભાળતુ નહોતું એટલે અમે અમારી ટીમ સાથે ભાજપમાં જોડાયા છીએ.પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રશાંત કોરાટે આ બાબતે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી બિલાડીના ટોપ જેવી પાર્ટી છે.વરસાદની ઋતુ હોય તેમાં બિલાડીના ટોપના નવા અંકુર ફૂટતા હોય છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી એટલે તેને થોડી સીટ મળી. પછી લોકોને ખબર પડી કે આમ આદમી પાર્ટી ઢોંગી પાર્ટી છે.ત્યારે PM નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ભાજપના રાષ્ટ્રવાદી વિચારધારાને પ્રેરાઈને સુરતના યુવાનો ભાજપમાં જોડાયા છે.તેમને હું શુભેચ્છા અને અભિનંદન આપું છું.

આ બાબતે નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઈચ્છા બતાવી કે અમારે રાષ્ટ્રવાદિ પાર્ટીમાં જોડાવું છે.એટલે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે.આજે ઘણા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અમારા કાર્યાલય ખાતે આવીને ભાજપમાં જોડાયા છે.હું બધાને આવકારૂ છું.વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે.તે દિવસેને દિવસે મજબૂત થતી જાય છે.

Share Now