– 6.40 કરોડની રિકવરી, રૂ.4 કરોડની પ્રોમિસરી નોટ મળી અને રૂ.1.70 કરોડના દાગીના જપ્ત કરાયાં
– 25 લોકર સીલ કરવામાં આવ્યા, રૂ.154 કરોડની જમીનની ખરીદી કરાઇ જેમાં રૂ.140 કરોડ રોકડમાં ચૂકવાયા : આવક વેરા વિભાગની કાર્યવાહી હજુ પણ ચાલુ
રાજકોટ : ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રાજકોટના RK ગ્રુપ પર શરૂ થયેલા દરોડાના ચાર દિવસ બાદ RK બિલ્ડર ગ્રુપની ઓફિસ અને રહેણાંક સિવાય મોટાભાગે તપાસ પૂર્ણ થઈ છે.આ અંગે આવકવેરા વિભાગની સત્તાવાર જાહેરાત કરી છે.જેમાં રૂ.300 કરોડના બિનહિસાબી દસ્તાવેજો મળી આવ્યા છે.તેમાંથી રૂ.6.40 કરોડની રિકવરી, રૂ.4 કરોડની પ્રોમિસરી નોટ મળી છે અને રૂ.1.70 કરોડના દાગીના જપ્ત કરાયા છે. આ ઉપરાંત 25 લોકર સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રૂ.154 કરોડની જમીનની ખરીદી કરવામાં આવી છે.જેમાંથી 140 કરોડ રોકડમાં ચૂકવાય છે.આવક વેરા વિભાગની કાર્યવાહી હજુ પણ ચાલુ છે.
જ્યાં આવકવેરા વિભાગે કોથળા ભરીને સાહિત્ય કબ્જે કર્યું છે તથા અનેક બેંકના ખાતા સીઝ કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે વર્ષો બાદ આવકવેરા વિભાગની સૌથી મોટી કાર્યવાહી કરાઈ છે.જ્યાં હવે તબક્કાવાર બેંકના ખાતાના તપાસ હાથ ધરાશે. આ ઉપરાંત સોનાના ઘરેણાં, બાંધકામ હેઠળની બિલ્ડીંગ,મિલકતોની વેલ્યુએશન પણ હાથ ધરવામાં આવી છે.આ મુદ્દે ઇન્કમ ટેક્સ વિભાગ દ્રારા કરચોરી અંગે ટૂંક સમયમાં વિગતો બહાર પાડવામાં આવશે.42માંથી 17 જગ્યાએ તપાસ પૂર્ણ કરવામાં આવી છે અને હજુ પણ સર્ચ-ઓપરેશન શરૂ છે. ITનો સૌરાષ્ટ્રમાં આ સૌથી મોટો દરોડો ગણવામાં આવી રહ્યો છે.હાલ ચાલી રહેલા સર્ચ-ઓપરેશનની તમામ વિગતો અમદાવાદ સ્થિત DGITને અપાઇ છે.ટૂંક સમયમાં DGITને ફાઇનલ રિપોર્ટ આપવામાં આવશે, એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.કેટલા રૂપિયાની ટેક્સચોરી ઝડપાઇ,કેટલી ગોલ્ડ જ્વેલરી,કેટલાં બેન્ક-લોકર હાથમાં આવ્યાં એ સહિતની તમામ માહિતી બહાર આવશે. થોકબંધ દસ્તાવેજ,કરોડોની રોકડ તથા જ્વેલરી જપ્ત કરી લેવામાં આવ્યાં છે.બેંક ખાતાં તથા લોકરો સીલ કરી દેવાયાં છે, એ આવતા સપ્તાહથી તબક્કાવાર ખોલવામાં આવશે.
રાજકોટમાં મોટા ગજાના બિલ્ડર આર.કે. ગ્રુપ તથા તેમના કનેક્શન ધરાવતા બિલ્ડરોનાં 45 સ્થળે હાથ ધરાયેલું મેગા દરોડા-ઓપરેશન આજે સતત ચોથા દિવસે ચાલુ રહ્યું છે.છેલ્લા બે દિવસમાં 100 કરોડના બેનામી હિસાબો મળી આવ્યા છે,સાથોસાથ ઈન્કમટેક્સને બિનહિસાબી તથા અંડરવેલ્યુએશન ધરાવતા દસ્તાવેજો,સાહિત્યનો ભંડાર હાથ લાગ્યો છે.બેથી ત્રણ જગ્યાનો ઉપયોગ કાળા-ધોળાના વ્યવહારો કરવા તથા એને લગતા સાહિત્ય સાચવવા માટે જ કરવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. એમાં તપાસનીશ અધિકારીઓ પણ મોઢામાં આંગળાં નાખી ગયા છે.