ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ISIS દ્વારા આતંકી હુમલો, પોલીસે આતંકીને માર્યો ઠાર

246

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ સ્થિત સુપરમાર્કેટમાં છરીના ઘા મારવાની ઘટના સામે આવી છે.આ અંગે માહિતી આપતા દેશના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે.જેસિન્ડા આર્ડર્ને કહ્યું કે, ISIS પ્રેરિત આતંકવાદીએ ઓકલેન્ડ સુપરમાર્કેટમાં છ લોકોને છરીના ઘા માર્યા હતા.જો કે તે જ સમયે પોલીસ દ્વારા આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો.તમને જણાવી દઈએ કે, ઓકલેન્ડ શહેરના એક સુપરમાર્કેટમાં કરવામાં આવેલા આંતકી હુમલામાં છ લોકો ઘાયલ થયા છે.

હુમલાની માહિતી મળતા જ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને હુમલાખોરને ગોળી મારીને ઠાર કરવામાં આવ્યો હતો.પોલીસે જણાવ્યું હતું કે, જ્યારે હુમલાખોરો શહેરના ન્યૂ લીન ઉપનગરમાં કાઉન્ટડાઉન સુપરમાર્કેટમાં પ્રવેશ્યા ત્યારે આ હુમલો થયો હતો.

ઓકલેન્ડમાં લોકડાઉન અમલમાં છે

આ હુમલા પાછળ હુમલાખોરનો હેતુ શું હતો તે બહાર આવ્યુ નથી.સેન્ટ જ્હોન્સે જણાવ્યું હતુ કે,આતંકી હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા છ લોકોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે,જેમાંથી ત્રણ લોકોની હાલત નાજુક છે. ઉપરાંત હુમલા અંગે પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, હુમલાખોરો છરી લઈને સુપરમાર્કટમાં આવ્યા અને ત્યાર બાદ લોકો પર હુમલો કરવાનું શરૂ કર્યું હતુ.ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના ખતરનાક ડેલ્ટા વેરિએન્ટને કારણે હાલમાં ઓકલેન્ડમાં લોકડાઉન અમલમાં છે.જેના કારણે વધારે લોકો આ હુમલાનો ભોગ બનતા બચી ગયા હતા.

2019 માં ક્રાઇસ્ટચર્ચ મસ્જિદમાં થયો હતો આંતકી હુમલો

ન્યુઝીલેન્ડના ડુનેડિનમાં મે મહિનામાં એક સુપરમાર્કેટમાં આવો જ આતંકી હુમલો થયો હતો.આ દરમિયાન એક હુમલાખોરે સુપરમાર્કેટની અંદર ચાર લોકોને છરી મારી અને ઘાયલ કર્યા હતા.ન્યુઝીલેન્ડમાં સૌથી મોટો આતંકવાદી હુમલો માર્ચ 2019 માં થયો હતો.હુમલાખોર દ્વારા ક્રાઇસ્ટચર્ચની મસ્જિદોમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો.જે હુમલામાં 51 લોકો માર્યા ગયા હતા અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

Share Now