– અન્ય GST નંબરો ચાલુ કરવા પણ લાંચ માંગ્યાની આશંકા : ટેક્સ કન્સલટન્ટ સહિત ચારેય આરોપીના એક દિવસના રિમાન્ડ મેળવાયા
– ફિક્સ ડિપોઝીટ, LIC અને PIL પોલીસીઓ તથા શેરબજારના રોકાણની પણ તપાસ કરાશે
સુરત : યાર્ન પેઢીનો બંધ થયેલો જીએસટી નંબર ફરી શરૂ કરવા લાંચ પેટે માંગેલા રૂ. 2 લાખ પૈકીની બાકી રૂ. 1 લાખની લાંચ સ્વીકારતા ઝડપાયેલા નાયબ રાજય વેરા કમિશ્નર,ટેક્સ કન્સલ્ટન્ટ, એકાઉન્ટન્ટ સહિત ચારેયને કોર્ટમાં રજૂ કરી એક દિવસનો રિમાન્ડ મેળવ્યો છે. એસીબીએ નાયબ કમિશ્નર અને તેના પરિવારના બેંક એકાઉન્ટ, લોકર અને જમીન-મિલકતના રોકાણ અંગેની માહિતી મેળવવાની તજવીજ શરૂ કરી છે.
સુરતની યાર્ન પેઢીએ વર્ષ 2015-16 ના રિટર્ન ફાઇલ નહીં કરતા જીએસટી વિભાગે બંધ કરેલો તેમનો જીએસટી નંબર પુનઃ શરૂ કરવા રૂ. 2 લાખની લાંચ માંગવાના પ્રકરણમાં સુરત એસીબીએ નાયબ રાજય વેરા કમિશ્નર નરસિંહ સરદાર પાંડોર,ટેક્સ કન્સલ્ટન્ટ કિશોરચંદ્ર શાંતિલાલ પટેલ,એકાઉન્ટન્ટ ધર્મેશ મનહરગીરી ગૌસ્વામી અને ડેટા એન્ડ્રી ઓપરેટર વિનય હરીશ પટેલને આજે કોર્ટમાં રજૂ કર્યા હતા.કોર્ટ સમક્ષ એસીબીએ નાયબ કમિશ્નર પાંડોર ઉપરાંત અન્ય કોઇ ઉપરી અધિકારીને હિસ્સો આપવાનો છે કે નહીં, જીએસટી નંબર બંધ કર્યો હોય તેવા અન્ય કોઇ વેપારીઓન નંબર ચાલુ કરવા માટે કિશોરચંદ્ર હસ્તક પાંડોરે લાંચ લીધી છે કે નહીં,વેપારીના ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ નાયબ કમિશ્નર પાંડોર પાસેથી કબ્જે લઇ તેનું વેરીફીકેશન કરવા,લાંચની રકમ બાબતે જે વાતચીત વેપારી અને પાંડોર તથા કિશોરચંદ્ર વચ્ચે થઇ છે તેની સ્ક્રીપ્ટમાં કેટલીક શંકાસ્પદ બાબતો છે જેથી આ મુદ્દે પૂરતી ખાત્રી કરવા ઉપરાંત નાયબ કમિશ્નર પાંડોરે પોતાના અને પરિવારના સભ્યોના નામે કેટલા બેંક એકાઉન્ટ, લોકર,એફ.ડી, એલ.આઇ.સી પોલીસીઓ,પી.એલ.આઇ પોલીસીઓ,શેરબજારમાં રોકાણ અને જમીન-મિલકતમાં રોકાણ કર્યુ છે કે નહીં વિગેરે મુદ્દે તપાસ કરવા માટે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટ દ્વારા આવતી કાલે સાંજે 4 વાગ્યાના સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.