વડોદરા : દેવોમાં પ્રથમ પુજ્ય એવા દેવ ગણપતિની ભાદરવા સુદ ચોથના દિવસે સાર્વજનિક મંડળો અને ઘરોમાં વિધિવત રીતે તેમજ ઉલ્લાસપૂર્વક સ્થાપના કરી તેમની પૂજા કરવામાં આવે છે.વડોદરામાં આજથી 120 વર્ષ પહેલાં દાંડિયાબજાર સ્થિત જુમ્માદાદા વ્યાયામ મંદિર ખાતે મુસ્લિમ સમાજના જુમ્માદાદાએ લોકમાન્ય ટિળક સાથેની મુલાકાત બાદ હિંદુ-મુસ્લિમ વચ્ચેના ભેદભાવને દૂર કરવા માટે વર્ષ 1901માં સવા બે ફૂટની માટીના ગણપતિની સ્થાપના કરી હતી.જુમ્માદાદાએ શરૂ કરેલી પરંપરા આજે પણ વ્યાયામ મંદિરમાં યથાવત છે.
શહેરમાં છેલ્લા 120 વર્ષથી ચાલતા આવતા ગણેશોત્સવ તહેવારના અનેક રંગ-રૂપ બદલાયા છે.આજે વડોદરામાં 5 હજાર જેટલા મોટા સાર્વજનિક-મિત્ર મંડળની સાથે 20 હજાર નાના-મોટા મંડળો સાર્વજનિક રીતે ગણેશજીની પ્રતિમાંની સ્થાપના કરે છે. જ્યારે 1 લાખથી વધુ ઘરોમાં ગણપતિજીની મૂર્તિઓની સ્થાપના થાય છે.ચાલીસેક વર્ષ પહેલાની વાત કરીએ તો પહેલાં ડીજે નહોતા પરંતું વિવિધ સાર્વજનિક મંડળો ઢોલ-નગારા તેમજ ભજન મંડળીઓ સાથે શ્રીજીને લાવતા અને વિસર્જન કરવા લઈ જતા હતાં. તે માહોલ ભક્તિભાવપૂર્વકનો રહેતો.જેમાં પોળમાં રહેતા લોકો પણ જોડાતા હતાં.રસ્તાઓ ઉપર રંગોળી થતી હતી અને ગણપતિ આવે એટલે મહિલાઓ આરતી ઉતારીને તેમનું સ્વાગત પણ કરતી હતી.સાર્વજનિક ગણેશ મંડળોમાં ગણેશોત્સવના 10 દિવસ વિવિધ સ્પર્ધાઓ થતી હતી.
આનંદ બજાર યોજાતા જેમાં વાનગી હરીફાઈ,વેશભુષા,રમત-ગમત,ગીત સંગીત જેમાં પોળના રહીશો અને બાળકો હોંશે-હોંશે ભાગ લેતા હતાં.સ્પર્ધા બાદ ઈનામ અપાતું અને સૌ લોકો રાતે મિજબાની પણ માનતા હતાં.પહેલાના સમયમાં દલાપટેલની પોળ,શામળબેચરની પોળ,દાંડિયાબજાર,પ્રતાપમડઘાની પોળમાં લોકો ખાસ ડેકોરેશન જોવા જતા હતાં.
મંડળો દ્વારા ધાર્મિક તેમજ દેશ ભક્તિને લગતું ખાસ ડેકોરેશન કરતા હતાં. આ ડેકોરેશન જોવા માટે ભક્તોની લાઈનો લાગતી હતી.ગણેશોત્સવમાં રોજ રાતના સમયે ચાર દરવાજા વિસ્તારમાં માનવ મહેરામણ ઉમટી પડતો હતો.મંડળોમાં ટેપ રેકોર્ડર પર દેશભક્તિના ગીતો તેમજ ભજનો વાગતા હતાં.હાલ પણ ગણેશમંડળોના ડેકોરેશન જોવા લોકો જાય છે.
175 વર્ષ પૌરાણિક રિદ્ધિ-સિદ્ધિ ગણપતિ મંદિરમાં શ્રીજીની આરસની મૂર્તિ
શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં અંદાજિત ૧૭૫ વર્ષ જૂનું રિદ્ધિ-સિદ્ધિ ગણપતિ મંદિર આવેલું છે.આ મંદિર ગાયકવાડી શાસનમાં બનાવવામાં આવ્યું હતું.જેમાં આરસપાણની શ્રીજીની મૂર્તિ સાથે રિદ્ધિ-સિદ્ધિ પણ બિરાજમાન છે.આ મૂર્તિને એક જ આરસમાંથી બનાવવામાં આવેલી છે.ગાયકવાડ શાસનમાં બનેલુ આ મંદિર લાકડાની બાંધણીવાળું છે.તેમજ તેમાં વિવિધ નકશીકામ કરવામાં આવ્યું છે.
ગાયકવાડી શાસનમાં રહેલા આ મંદિરનો વહીવટ હાલ કલેકટર પાસે છે. મંદિરના પૂજારીના મતે આ મંદિરનું બાંધકામ કોણે કરાવ્યું તેની જાણકારી નથી.પરંતુ શહેરના આ પૌરાણિક મંદિરમાં ભક્તો અપાર શ્રદ્ધા ધરાવે છે.જ્યારે આ મંદિરમાં પોતાની મનોકામના પૂરી કરવા સર સયાજીરાવ ગાયકવાડ આવતા હોવાનું પૂજારીએ જણાવ્યું હતું.દાંડિયાબજાર સ્થિત અતિ પૌરાણિક તેમજ પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર વર્ષ 1805થી ચિંધડે કુટુંબના તાબામાં આવેલું છે.