મુંબઈ,તા.14 સપ્ટેમ્બર : મુંબઈના સાકીનાકા વિસ્તારમાં એક મહિલા પર રેપની ચકચારી ઘટના બાદ મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ વિવાદાસ્પદ આદેશ આપ્યો છે.જેમાં કહેવામાં આવ્યુ છે કે, મહારાષ્ટ્રમાં અવર જવર કરનારા અન્ય રાજ્યોના લોકોનુ રજિસ્ટ્રેશન કરવામાં આવે અને તેમને રેકોર્ડ રાખવામાં આવે.
બીજી તરફ ભાજપે આ આદેશનો વિરોધ કરીને તેને સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અલગ અલગ પ્રકારના ગુનામાં અન્ય રાજ્યોના લોકોના નામ સામે આવ્યા બાદ ઉધ્ધવ ઠાકરેએ ઉપરોક્ત આદેશ આપ્યો છે.રાજ ઠાકરે પણ અગાઉ આ પ્રકારની માંગ કરી ચુકયા હતા.બીજી તરફ ઉધ્ધવ ઠાકરેએ કહ્યુ હતુ કે, મહિલાઓની સુરક્ષા માટે કોઈ પ્રકારનુ સમાધાન કરવામાં નહીં આવે.સાકીનાકા વિસ્તારમાં શુક્રવારે એક મહિલા સાથે ટેમ્પોમાં રેપ કરવામાં આવ્યો હતો અને આ મામલામાં આરોપી યુપીના જોનપુરનો રહેવાસી હોવાનુ સામે આવ્યુ હતુ.રેપ પિડિત મહિલાનુ હોસ્પિટલમાં શનિવારે સારવાર દરમિયાન મોત થયુ હતુ.