ભાજપના ધારાસભ્યોના શક્તિ પ્રદર્શન બાદ ડેરી સત્તાધીશોને ગાંધીનગરનું તેડું

260

બરોડા ડેરીના પશુપાલકોને ભાવ ફેરમાં વધારો આપવાની માગ સાથે ગુરુવારે હલ્લાબોલનું એલાનને પગલે ડેરી બહાર પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.મંગળવારથી બે દિવસ ડેરીની સામે પ્રતીક ધરણાની મંજૂરી પોલીસે આપી ન હતી. પોલીસ દ્વારા દેખાવો માટે આવી રહેલા પશુપાલકોને દુમાડ ચોકડી ખાતે જ રોકી દેવાયા હતા.

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સહિતના 3 ધારાસભ્યોએ પ્રદેશ ભાજપ પ્રમુખ સાથે 45 મિનિટ સુધી ગાંધીનગરમાં ચર્ચા કરતા પ્રદેશ પ્રમુખે ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનને બુધવારે સવારે હાજર રહેવાનું ફરમાન જારી કર્યું છે.આ સંજોગોમાં જો બુધવારે સમાધાન નહીં થાય તો ગુરુવારે બરોડા ડેરીમાં ભાજપ વિરુદ્ધ ભાજપની લડત ઉગ્ર બનશે તે નક્કી છે.15 દિવસ અગાઉ બરોડા ડેરીમાં પશુપાલકોને વધારાનો ભાવ ચૂકવવા માટે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે લડત ઉપાડી ડેરીના વહીવટ સામે આંગળી ચીંધી હતી જેના પગલે ભાજપમાં ભડકો થયો હતો.જોકે જિલ્લાના પ્રભારી અને સાંસદે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડયો હતો અને તેના માટે બરોડા ડેરીના ચેરમેન દિનુમામા અને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સમાધાન થયું હોવાનું સ્વીકાર્યું હતું જેમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ડેરીના પશુપાલકોને વધારા નો ભાવ ફેર આપવા માટે ડેરીના ચેરમેન તરફથી સંમતિ આપવામાં આવી છે પરંતુ બરોડા ડેરીની સામાન્ય સભામાં આ મામલે કોઇ નિર્ણય ન લેવા તો મામલો બિચક્યો હતો.જેના પગલે સાવલીના કેતન ઇનામદારે ગુરુવારે બરોડા ડેરીમાં હલ્લાબોલ કરવાનું એલાન આપ્યું હતું અને તેમના સમર્થનમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, કરજણના અક્ષય પટેલ અને ડભોઇના શૈલેષ મહેતા આવ્યા હતા. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી મેરેથોન બેઠક બાદ મોડી સાંજે ત્રણ ધારાસભ્યો ગાંધીનગર ગયા હતા.પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું તેડું આવતા શૈલેષ મહેતા પહેલા ગયા ગયા અને કેતન ઇનામદાર અને અક્ષય પટેલ જોડે ગયા હતા.જ્યાં, 45 મિનિટ સુધી બરોડા ડેરીના વહીવટ પર માછલા ધોવામાં આવ્યા હતા અને પશુપાલકોને નુકસાન થતું હોવાની લાગણી વ્યક્ત કરવાની સાથોસાથ ડેરીના સત્તાધીશો મનસ્વી નિર્ણય લેતા હોવાનું પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ રજૂઆતમાં પ્રદેશ પ્રમુખે હકારાત્મક નિર્ણય લેવાની ખાતરી આપી હતી અને બુધવારે સવારે 11:30 વાગે બરોડા ડેરીના ચેરમેન દિનુમામા અને વાઇસ ચેરમેન જીબી સોલંકીને હાજર રહેવા તેડું મોકલ્યુ છે.

ઠેર ઠેર નાકાબંધી,ધારાસભ્યના ભાઇ સહિત 15ની અટકાયત

મંગળવારે વહેલી સવારે કલેક્ટરને આવેદન આપવા નીકળેલા સાવલીના ધારાસભ્યના ભાઈ સહિત 15ની ખુમાડ ચોકડી પાસે અટકાયત કરાઇ હતી.કેટલાક પશુપાલકોએ સર્કિટ હાઉસ પહોંચી જઇ સૂત્રોચ્ચારો કરતા પોલીસ સાથે તડાફડી પણ થઈ હતી અને પોલીસે સર્કિટ હાઉસના ગેટ પણ બંધ કરાવી દીધા હતા.એટલુ જ નહીં, માસ્ક વગરના લોકોના નિવેદન લેવાની પણ ચીમકી અપાઇ હતી.

Share Now