દિલ્હીની કોર્ટમાં ગેંગસ્ટર જિતેન્દ્ર ગોગીની હત્યાઃ પોલીસના વળતા ફાયરિંગમાં બે હુમલાખોર ઠાર

188

– વકીલોના પહેરવેશમાં ઘૂસેલા હુમલાખોરોએ રોહિણી કોર્ટમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું
– ગેંગસ્ટર ગોગી દિલ્હી પોલીસના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં હતો, તેના માથા સાટે ૬.૫ લાખનું ઈનામ હતું : સ્પેશિયલ સેલે ગયા વર્ષે તેને ત્રણ સાગરિતો સાથે ઝડપી લીધો હતો

દિલ્હી : દિલ્હીની રોહિણી કોર્ટમાં અંધાધૂંધ ફાયરિંગ થયું હતું. કોર્ટમાં સુનાવણી માટે હાજર કરાયેલા ગેંગસ્ટર જિતેન્દ્ર ગોગીની વિરોધી ગેંગે હત્યા કરી નાખી હતી.વિરોધી ગેંગના બે ગેગસ્ટર્સ વકીલોના પહેરવેશમાં કોર્ટમાં ઘૂસ્યા હતા અને મોકો જોઈને બંનેએ જિતેન્દ્ર ઉપર અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી.પોલીસના વળતા જવાબમાં હુમલો કરનારા બંને ગેંગસ્ટર્સ પણ ઠાર થયા હતા.

દિલ્હી પોલીસના મોસ્ટ વોન્ટેડના લિસ્ટમાં રહેલા ગેંગસ્ટર જિતેન્દ્ર ગોગી ઉપર વિરોધી ગેંગના હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું.એમાં જિતેન્દ્ર ગોગી માર્યો ગયો હતો.એ પછી પોલીસના વળતા ફાયરિંગમાં વિરોધી ગેંગના બંને હુમલાખોરો પણ ઠાર થયા હતા. દિલ્હી પોલીસે ટ્વિટરમાં જાણકારી આપી હતી કે ત્રણેય ગેંગસ્ટર્સ ઠાર થયા છે, એ સિવાય કોઈને ઈજા પહોંચી નથી.દિલ્હીના જોઈન્ટ પોલીસ કમિશ્નરે આ ઘટનામાં તપાસનો આદેશ આપ્યો છે. પોલીસના કહેવા પ્રમાણે મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર જિતેન્દ્ર માન ઉર્ફે ગોગીને કોર્ટમાં સુનાવણી માટે પેશ કરાયો હતો.એ વખતે વકીલના પહેરવેશમાં કોર્ટમાં ઘૂસેલા વિરોધી ગેંગના હુમલાખોરોએ મોકો જોઈને જિતેન્દ્રને નિશાન બનાવ્યો હતો.લગભગ ૧૫ મિનિટ સુધી કોર્ટ પરિસરમાં અંધાધૂંધ ફાયરિંગ થયું હતું.
માર્યા ગયેલા એક હુમલાખોર ઉપર ૫૦ હજારનું ઈનામ હતું.ગેંગસ્ટર ગોગીને પોલીસે ગયા વર્ષે ત્રણ સાગરિતો સાથે પકડી પાડયો હતો.ગોગીના માથા સાટે ૬.૫ લાખ રૃપિયાનું ઈનામ જાહેર થયું હતું.ગોગીએ રોહિણી જિલ્લામાં અસંખ્ય ગુના આચર્યા હતા.ગુનાખોરીના રસ્તે તેણે કરોડોની સંપત્તિ બનાવી હતી.તેની ગેંગમાં લગભગ ૫૦ લોકો સામેલ હોવાનું મનાય છે.૨૦૦૯માં દિલ્હીના અલિપુરમાં કોન્સ્ટેબલ સહિત ચારની હત્યા ગોગીએ કરી હતી.એ ગુના સબબ તેની ધરપકડ થઈ હતી.ગોગી ગેંગ પર હત્યાના ૧૨ અને લૂંટના ૨૪ કેસ નોંધાયા છે.

ગેંગસ્ટર ગોગી અને તેની વિરોધી ગેંગ વચ્ચે છેલ્લાં ૧૦ વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો છે.જિતેન્દ્ર ગોગી અને ટિલ્લૂ તાજપૂરિયા એક સમયે દોસ્ત હતા.બંને સાથે મળીને ગુનાખોરી કરતા હતા,પરંતુ પ્રભુત્વ જમાવવાના મુદ્દે બંને એક-બીજાના દુશ્મનો બન્યા હતા.એ પછી ગોગી અને ટિલ્લૂની ગેંગ વચ્ચે અવારનવાર આવા સંઘર્ષો થતા હતા. ૨૦૧૭માં ગોગી ગેંગના દીપક ઉર્ફે બંટીની આવી જ રીતે ટિલ્લુ ગેંગે ગોળી ધરબીને હત્યા કરી હતી.ગોગીની જેમ અગાઉ ટિલ્લૂ પણ પોલીસના હાથમાં આવ્યો હતો.કહેવાય છે કે બંને જેલમાંથી ગેંગ ચલાવતા હતા.પોલીસે આ દિશામાં તપાસ શરૃ કરી છે. ટિલ્લૂને પકડી લેવા માટેની તજવીજ પણ હાથ ધરી છે.ટિલ્લુ ગેંગ પર હત્યાના ૧૦ અને લૂંટના ૨૫ કેસ નોંધાઈ ચૂક્યા છે.

Share Now